અભયારણ્યમાં ગેરકાયદે બોર ગાળતા શખ્સો સામે કાર્યવાહી માટે ગયેલા ફોરેસ્ટ ઓફિસરએ કર્યું ફાયરિંગ
18.10 લાખનાં મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ નજીકનાં ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં આવેલ આડેસર રેન્જના વરણું રણ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અમુક શખ્સો રણમાં બોરવેલ દ્વારા પાણી કાઢવાની પ્રક્રિયા કરતા હતા જે પ્રવૃતિ અટકાવવા જતા ટોળું એકત્ર થઈ ગયું હતું અને અધિકારી પર હુમલાની હિલચાલ કરતા અધિકારીએ સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને આજુબાજુની કચેરીને જાણ કરી આ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો જે બાદ રણમાંથી વન વિભાગના અધિકારીઓએ એક બાઈક, ત્રણ ટ્રેક્ટર, ટ્રોલી, બે સાયડા (બોરવેલ) સાથે કુલ રૂપિયા 18 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સો સામે વન્ય પ્રાણી અધિનિયમ સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ નજીકના ઘુડખર અભયારણ્યમાં આડેસર રેન્જના વરણું રણ વિસ્તારમાં આરએફઓ એસ. એસ. સારલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અભયારણ્યમાં બોરવેલ દ્વારા પાણી કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી જેથી કરીને વન વિભાગના અધિકારી દ્વારા બિનઅધિકૃત રીતે અભયારણ્યમાં પ્રવેશ કરીને મશીનરી દ્વારા બોર બનાવવાની કામગીરી કરતા શખ્સોને અટકાવ્યા હતા જોકે આ દરમિયાન માથાભારે શખ્સો દ્વારા અધિકારી ઉપર હુમલો કરવાની હિલચાલ કરવામાં આવી હતી જેથી આરએફઓ એસ. એસ. સારલા દ્વારા સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાનો અને પોતાની ટીમનો બચાવ કર્યો હતો જે બાદ આજુબાજુની કચેરીના અધિકારીઓનું ધ્યાન દોરી મદદ માંગવામાં આવી હતી અને સ્થળ પરથી એક બાઈક, એક ટ્રેક્ટર, એક બોરવેલ, એક ટ્રેક્ટર-ટ્રોલી, એક ટેન્કર અને એક ટ્રેક્ટર મળી કુલ રૂ. 18 લાખ 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તો સાથે જ ત્રણ આરોપીઓ ખેંગાભાઈ નોંધાભાઈ આહીર (રહે. લાખાગઢ, તા.રાપર), ફુસારામ મંગારામ જાટ (રહે. સનાવડાકલા, જિ.બાડમેર, રાજસ્થાન) અને અર્જુનકોલ વૈશાખુકોલ (રહે. મધ્યપ્રદેશ) ની ધરપકડ કરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી અધિનિયમ સંરક્ષણ ધારા હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.