બે માળનો પ્લાન મૂકી ને ચાર માળ ખડકી દીધાં, પાર્કિંગની જગ્યા પણ ન છોડી!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ મામલે મીડિયામાં અવારનવાર અહેવાલો પ્રસિદ્ધ થતા રહે છે જે બાદ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કાયદેસર પગલાં ભરવામાં આવી રહ્યા છે. હાલમાં જ શહેરના એસ્ટ્રોન ચોક સર્કલથી અમીન માર્ગ તરફ જવાના રસ્તે સાર્થક સ્કવેર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું માલૂમ પડતા તે અંગે વિસ્તૃત અહેવાલ ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. થોડા દિવસો અગાઉ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ અહેવાલની નોંધ લઈ મનપાની ટીપી શાખા દોડતી થઈ હતી. મનપાની ટીપી શાખાએ સાર્થક સ્કવેર બિલ્ડિંગના પ્લાન અને બાંધકામની તપાસ કરી સાર્થક સ્કવેર બિલ્ડિંગના રિવાઈઝર્ડ પ્લાનને નામંજૂર કરી નાખ્યો છે એવું જાણવા મળ્યું છે. હવે આગામી સમયમાં સાર્થક સ્કવેર બિલ્ડિંગનું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું. અત્યારે તો ખાસ-ખબરમાં પ્રસિદ્ધ સાર્થક સ્કવેરમાં થયેલા ગેરકાયદે બાંધકામના અહેવાલનો પડઘો પડ્યો છે અને ટીપી શાખાના અધિકારીઓ દ્વારા આ મામલે એક્શન લેવામાં આવી છે.
- Advertisement -
શું છે સમગ્ર મામલો?
એસ્ટ્રોન સર્કલ પાસે આવેલા સાર્થક સ્કવેર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મનપા ટાઉન પ્લાનિંગમાંથી ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરની મંજૂરી મેળવી ગ્રાઉન્ડ પ્લસ 4 ફ્લોર ખડકી નાખવામાં આવેલા હતા. સાર્થક સ્કવેરના બિલ્ડરો દ્વારા મનપા ટાઉન પ્લાનિંગ શાખામાં ઓનલાઈન ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરની મંજૂરી મેળવવામાં આવી હતી. ત્યારબાદ સાર્થક સ્કવેરના બિલ્ડર દ્વારા ચાલાકીપૂર્વક એફએસઆઈ વધારી, એફએસઆઈનો દૂરુપયોગ કરીને ડબલ વ્હાઈટ મેળવી ગેરકાયદે વધારાના બે ફ્લોર ખડકી નાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં બાંધકામ અધિનિયમ મુજબ જો ગ્રાઉન્ડ પ્લસ 4 ફ્લોર હોય તો સેલર પાર્કિંગ હોવું અનિવાર્ય છે, સાર્થક સ્કવેરમાં સેલર તો ઠીક જનરલ પાર્કિંગ પણ આપવામાં આવ્યું નહતું.