રાજકોટ – છેલ્લા ત્રણ વર્ષથી જસદણ અને વિંછીયા પંથકની કાયા પલટ કરવા કટ્ટીબધ્ધ રાજયના પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા આજરોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર અરુણ મહેશ બાબુની ઉપસ્થતીમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે વિકાસ કામો અંગે સમિક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી પણ ઉપસ્થીત રહ્યા હતા.
આ સમિક્ષા બેઠકમાં મંત્રી બાવળીયાએ જસદણ તાલુકાના બોધરાવદર, ભંડારીયા, દહીંસરા, કમળાપુર, લીલાપુર જેવા ગ્રામ્ય વિસ્તારો જસદણ તથા વિંછીયા તાલુકાના વિચરતી વિમૂકત જાતીના આર્થીક નબળા વર્ગના લોકોને જમીન/આવાસ યોજનાનો સર્વે કરી લાભ આપવા, એન..ટી. અને ડી.એન.ટી. જાતીના લોકોને ઘરથાળાના ૪૦ ચેા.મી./૧૦૦ ચો.મીના ઘરથાળના પ્લોટ ફાળવવા બાબત, જસદણ અને વિંછીયા પંથકમાં દેવપરા, શીવરાજપુર, કડુકા, પાટીયાળી, મોઢુકા દેવઘરી ખાતે મંજુર થયેલી માધ્યમીક શાળાઓ માટે જમીન ફાળવણી, જસદણ મધ્યેથી પસાર થતી ભાદર નદી-ગોમા નદીની સફાઇ, વિંછીયા અને જનડા ગામે રમતગમતના મેદાન માટે જમીન ફાળવવી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની વિંછીયા અને ભાડલા ગામે આવેલ બ્રાંચને મોટી તથા સુવિધાસભર બનાવવા, જસદણ ખાતે સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ માટે જમીન ફાળવણી, તથા વિંછીયા તાલુકા સેવા સદન ખાતે સખી મંડળની બહેનો દ્વારા અરજદારોના લાભાર્થે ખાસ કેન્ટીન શરૂ કરવા, આટકોટ ખાતે મંજુર થયેલી આયુષ હોસ્પીટલ અને વિંછીયા ખાતે સી.એચ.સી.ના નવા બિલ્ડીગ અને સાધનો સાથે માળખાકીય સુવિધા અને ગામતળ બોધરાવદર ગામે નીમ કરવા સહિતના અનેક વિકાસલક્ષી કામોની સમિક્ષા કરી હતી.
- Advertisement -

વિંછીયા ખાતે જી.આઇ.ડી.સી. માટે જમીન ફાળવવા તેઓએ ભારપુર્વક જણાવ્યું હતું જેથી આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાય અને લોકોને સ્થાનીક રોજગારી મળી રહે. આ તકે તેઓએ કામની પ્રગતી અંગે વિસ્તૃત માહિતી મેળવી આ તમામ કામો લોક કલ્યાણલક્ષી હોઇ તાકીદે પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સુચિત કર્યા હતા.
ખાસ કરીને આ વિસ્તારમાં ખેડુતો/અરજદારોએ ફી ભરપઇ કર્યા બાદ જમીન માપણી કરવાની કાર્યવાહી તુરંત હાથ ધરવા અનુરોધ કરતા રાવળાની જમીનમાં વસતા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે તેઓની લોકોની જમીન રાવળા હક્ક ફેરવવા ધટતી કાર્યવાહિ કરવા જણાવ્યું હતું.
- Advertisement -
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આ તકે મંત્રી બાવળીયા દ્વારા સુચવાયેલા વિકાસના કામો સાથે જિલ્લા આયોજન હેઠળ ધારાસભ્ય અને સાંસદ ની ગ્રાંટમાંથી સુચવાયેલા માળકખાકીય વિકાસના કામો, ૧૫મા નાંણાપંચ અને મનરેગા કન્વર્જન ગ્રાંટમાંથી ચેકડેમ રીપેરીંગ મંજૂર થયેલા પેટા આરોગ્ય કેન્દ્રો અને ગ્રામ પંચાયત ઘરો જેવા કામો તાકીદે પૂર્ણ કરવા અને આ કામો ગુણવત્તાસભર થાય તે માટે જરૂરી સુચનો કર્યા હતા.
આ બેઠકમાં ડિ.આર.ડી.એ. ચેરમેન જે.કે.પટેલ, પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિેલેષ શાહ, જિલ્લા આયેાજન અધિકારી ટોપરાણી, જિલ્લા શિક્ષણાધિકારી કૈલા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.


