વાંકાનેર પાલિકાને સુપરસીડ કરવાનો સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખનો કારસો?
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકાને તાજેતરમાં જ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિકાસ કામમાં ઢીલાસ તેમજ પાલીકા પ્રમુખ દ્વારા આપખુદ શાહી વલણ રાખવામાં આવતું હોવાના મુદે સુપરસીડ નોટિસ આપવામાં આવતા વાંકાનેરનું રાજકારણ ગરમાયું છે ત્યારે વાંકાનેર ભાજપના પાયાના પથ્થર એવા જીતુ સોમાણીએ સાંસદ મોહન કુંડારિયા અને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા વિરુદ્ધ ખુલ્લેઆમ આવી આ બંને નેતાઓના કારણે જ પારદર્શક વહીવટ ધરાવતી વાંકાનેર પાલિકાને સુપરસીડ કરવા કારસો રચાયો હોવાનો પત્રકાર પરિષદ યોજીને સણસણતો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત જીતુ સોમાણીએ ભાજપના આગેવાનો દ્વારા મોરબીમાં જમીન કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરીને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે તેમજ પત્રકાર પરિષદ યોજીને સુપરસીડ નોટિસ પાછળની રાજરમતને ખુલ્લી પાડતા જુદા જુદા 15 મુદાઓ સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા અને જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સામે સનસનીખેજ આક્ષેપો કર્યા છે.
- Advertisement -
ભાજપી આગેવાનોની આડોડાઈ અને આંતરીક વિખવાદના કારણે વાંકાનેર પાલિકા વિવાદોનું ઘર!
જીતુ સોમાણીએ પત્રકાર પરિષદ યોજીને જાહેર કરેલા મુદ્દાઓમાંના અંશો તેમના જ શબ્દોમાં અક્ષરશ:
1. નગરપાલીકાના સભ્યોની ખરીદ વેચાણ કરવા મોહન કુંડારિયા દ્વારા કરેલા પ્રયત્ન પછી પણ એની સાથે કોઈ ન રહેતા આ સુપરસીડ કરવાનું ષડયંત્ર રચ્યું છે, વાંકાનેરની જનતા આ બાબતથી વાકેફ છે.
2. અમોને આપેલી નોટિસ કોઈપણ કારણ વગર નગરપાલીકાની બોડીને ડીસ્કવોલીફાઈડ કરવાના ઈરાદે આપેલ છે.
3. આ નોટિસમાં કોઈ દમ નથી કે નથી કોઈ વ્યાજબી વાત. માત્ર મારી કારર્કીદી પુરી કરવા અને મને દબાવવા માટેનું એક ષડયંત્ર છે.
4. મોહન કુંડારિયાએ 2017માં ખુલ્લેઆમ મને હરાવવાનો પ્રયત્ન કર્યો, જયારે 2017 ની વિધાનસભાની ચુંટણીમાં મને ટીકીટ ના મળે તે માટે મોહનલાલે ખુબજ પ્રયત્ન કર્યા પણ નરેન્દ્રભાઈ મોદી તથા અમીતભાઈ શાહ દ્વારા મારાપર વિશ્વાસ કરવામાં આવ્યો અને મને વાંકાનેર વિધાનસભાની ટીકીટ મને આપી એટલે મોહનલાલે પસંદ કરેલા ઉમેદવારને અપક્ષ ઉમેદવારી કરાવી તથા ફાયનાન્સયલી ફંડ દ્વારા મદદ કરાવી તથા ફાયનાન્સયલી ફંડ પુરૂ પાડી તેમને અને તેમની ટીમ દ્વારા મને હરાવવાના ખુબજ પ્રયત્ન કર્યા તેમ છતા તે ઉમેદવારને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો. તુરંત જ પોતાની વગ વાપરીને ભાજપમાં પુન: પ્રવેશ કરાવી પાર્ટીનો હોદો અપાવ્યો અને જે હોદા ઉપર આજેપણ કાર્યરત છે. અને તેઓને જીલ્લા પંચાયતની ચુંટણીમાં ટીકીટ પણ અપાવી હતી.
5. સાંસદ મોહન કુંડારિયા અને તેના દરેક કર્મના ભાગીદાર દુર્લભજીભાઈ દેથરીયાએ સાથે મળીને નગરપાલીકા સુપરસીડ કરવાનું કાવતરું રચ્યું છે, જેમાં પ્રદેશ નેતાગીરીને ગેરમાર્ગે દોરી ઈ.ખ.ઘ. ઓફીસમાંથી નગરપાલીકાને સુપરસીડ કરવાની સુચના આપી છે, અમારા દ્વારા આ કાગળનો જે પણ જવાબ આપીએ નગરપાલીકા ડીસ્કવોલીફાઈડ કરવાનું નિશ્ચિત છે.
6. મોહન કુંડારિયા અને દુર્લભજી દેથરીયા ભલે મને ભાજપમાંથી દુર કરવા મથી રહયા હોય પણ વાંકાનેર વિધાનસભાના મતદારોના દિલમાંથી મને દુર નહી કરી શકે.
7. મોહન કુંડારિયા એટલુ જાણે કે, વાંકાનેર મેળવવા તમે નીકળયા છો પણ વાંકાનેર તો કોઈ દિવસ મળશે નહી પણ એટલુ યાદ રાખજો કે વાંકાનેર તો એક બાજુએ રહેશે અને તમારા હાથમાંથી મોરબી જતુ ન રહે જેનુ ઉદારણ મોરબી માર્કેટીંગ યાર્ડની વેપારી પેનલની ચુંટણીમાં તમે પરીણામ જોઈ લીધુ હશે.
8. હું રઘુવંશી છું પ્રભુ શ્રી રામનો વંશજ છું, આવા દારુડીયા નેતા સાથે જો લડાઈ ના કરુ તો તો મારી માંનું ધાવણ લાજે.
9. મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીને મોહન કુંડારિયા અને દુર્લભજી દેથરીયા ઘરની પેઢીની જેમ ચલાવે છે. લોકોને ધાક-ધમકી આપી ચલાવે છે. એમાના દિનેશભાઈ વ્યાસને ડોફે લગાડી દઈસ અને હિરેન પારેખને કહેલ કે તને જડેશ્વર નહીં પહોંચવા દઉં. આવી ધાક-ધમકી કાર્યકર્તાઓ પર કેટલા અંશે વ્યાજબી છે.
10. મોહન કુંડારિયાને વાંકાનેર ચીફ ઓફિસરનો એક સોદો થયેલ છે. તમે આ દરખાસ્ત સરકારમાં મોકલી આપો એટલે હું તમારી બદલી કરાવી આપીસ. બીજા રાઉન્ડમાં જે બદલી થઈ તેમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફીસર સીવાય બીજા કોઈ ચીફ ઓફીસરની 4 મહિનામાં રિપીટ બદલી નથી થઈ.
11. રવાપર માં કોમ્પ્લેક્ષ બનાવા માટે તળાવ બુરી દીધું ગેરકાયદેસર રીતે. અત્યારે રવાપર ચોકડી પાસે કોમ્પ્લેક્ષ બની રહ્યું છે જેમાં પુષ્કળ દુકાનો છે. તે કોમ્પ્લેક્ષમાં પાર્કિંગની વ્યવસ્થા વગર મંજૂરી કેમ મળેલી ? કોની રહેમ રાહથી આ શક્ય છે ?