સાયબર માફિયાઓ દ્વારા 74 વર્ષીય ડૉક્ટરને ફેમા અને મની લોન્ડ્રિંગના ડરથી વિવિધ ખાતાઓમાં રૂ.20 કરોડ જમા કરાવડાવ્યા; પોલીસે સમયસર ચાર્જશીટ રજૂ ન કરતા આરોપી મુક્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગાંધીનગરના સેક્ટર-21માં રહેતા અને મેટરનિટી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા 74 વર્ષીય ડો. મુનીરા કુમારી શરદચંદ્ર વ્યાસ સાથે ₹20 કરોડની માતબર રકમની છેતરપિંડીના ગુનામાં એક આરોપીને ડિફોલ્ટ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપી નાજ ઈબ્રાહીમભાઈ સુમરા વિરુદ્ધ 60 દિવસની મહત્તમ સમય મર્યાદામાં કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ ન કરતા, ગાંધીનગર જે.એમ.એફ.સી. કોર્ટે ડિફોલ્ટ બેઈલ પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે.
કેસની વિગત: ગત તા. 15/03/2025 થી તા. 16/07/2025 દરમિયાન નિવૃત્ત ડોક્ટરને અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં પોતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનમાં હોવાનું જણાવી સિમકાર્ડ પરથી અપમાનજનક મેસેજ પબ્લિશ થયાની વાત કરી હતી. ત્યારબાદ મુંબઈ ખાતેથી સબ-ઇન્સ્પેક્ટરના નામે ફોન આવેલો અને ડોક્ટર પર ફેમા એક્ટ તથા મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હોવાનું જણાવી, ડોક્ટરને ’ડિજિટલ અરેસ્ટ’ કરી દીધા હતા.
ડિજિટલ અરેસ્ટના ભયમાં ડોક્ટરે પોતાની તમામ મિલકતો (રોકડ, સોનું, ચાંદી, એફ.ડી. વિગેરે)ની માહિતી આપી હતી અને ક્રોસ વેરીફિકેશનના બહાને સાયબર માફિયાઓએ આપેલા જુદા જુદા 40 એકાઉન્ટમાં કુલ ₹20 કરોડ જેટલી રકમ જમા કરાવી દીધી હતી. પોતે છેતરાયાનો અહેસાસ થતા ડોક્ટરે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી નાજ ઈબ્રાહીમભાઈ સુમરાની તા. 01/08/2025 ના રોજ ધરપકડ કરી હતી. જોકે, કાયદા મુજબ 60 દિવસમાં ચાર્જશીટ રજૂ ન થતાં, આરોપીએ કોર્ટમાં ડિફોલ્ટ બેઈલની અરજી કરી હતી. એડવોકેટની દલીલો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને જે.એમ.એફ.સી. કોર્ટના જજ ડી.આર. જગુવાલાએ આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા સહિતના વકીલો રોકાયેલા હતા.



