ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢ જિલ્લામાં એક શિક્ષણ સંસ્થાના પૂર્વ આચાર્ય અને તેમના પત્ની (મંડળના પ્રમુખ) દ્વારા ડબલ પેન્શન અને નાણાકીય ગેરરીતિ આચરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ દંપતીએ ગુનાહિત કાવતરું રચીને સરકારી નાણાંની 10,75,487ની ઉચાપત કરી હોવાની ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં પતિ-પત્નીએ બે અલગ-અલગ નામ અને જન્મ તારીખવાળી ’સેવાપોથી’ (સર્વિસ બુક) તૈયાર કરી, એક પેન્શન મંજૂર કરાવી લીધું હતું અને બીજું પેન્શન મંજૂર કરાવવાનો પ્રયાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
શિક્ષણ નિરીક્ષકે ફરિયાદ નોંધાવી
જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષક (વર્ગ-2) મનીષાબેન ગોરધનભાઈ હીંગરાજીયા (ઉંમર 49) એ સરકાર તરફે ફરિયાદી બનીને વિસાવદર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. ફરિયાદમાં વેકરીયા ગામની ગ્રામ્ય વિકાસ કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી સેવાગીરી ગોસ્વામી અને તેમના પત્ની તથા મંડળના પ્રમુખ ઇલાબેન મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી ગોસ્વામી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિસાવદર પોલીસે ઇગજની કલમ 316(5), 336(2), 336(3), 340(2) અને 61(2) હેઠળ ગુનો નોંધી, પી.આઈ. એસ.એન. સોનારાની અધ્યક્ષતામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખોટો રેકોર્ડ ઊભો કર્યો હતો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, નિવૃત્ત કર્મચારી મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી ગોસ્વામીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને, સરકારી કચેરીના ખોટા સિક્કાઓ લગાવી, ખોટો રેકોર્ડ ઊભો કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં તેમની પત્ની, જે શાળા મંડળના ટ્રસ્ટી છે, તેમણે પણ સાથ આપ્યો હતો.
જન્મ તારીખમાં ચેડાં કરીને એક વર્ષ વધારે નોકરી કરી
મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરીની અસલ જન્મ તારીખ 19/06/1964 હતી (વેરાવળની મણીબેન છગનલાલ કોટક હાઈસ્કૂલના જકઈ મુજબ). આ તારીખ મુજબ તેમને સત્રના લાભ સાથે 30/06/2022ના રોજ નિવૃત્ત થવાનું હતું. જોકે, આરોપીએ ’મિતેશગીરી સેવાગીરી ગોસ્વામી’ના નામે બનાવટી સર્વિસ બુકમાં જન્મ તારીખ 19/06/1965 દર્શાવી. આ ખોટા દસ્તાવેજોના આધારે તેમણે એક વર્ષ વધારે નોકરી કરી, પગાર મેળવ્યો અને 01/11/2023થી પેન્શન પણ મંજૂર કરાવી લીધું. આ પ્રકારે તેમણે સરકારના નાણાં ₹10,75,487ની ઉચાપત કરી.
બીજા પેન્શન માટે ’મૂળરાજગીરી’ના નામે નવી સર્વિસ બુક પ્રથમ પેન્શન મંજૂર થયા બાદ, આ દંપતીએ બીજી વખત આર્થિક લાભો મેળવવા માટે નવું કાવતરું રચ્યું. આચાર્ય ગોસ્વામીએ પોતાના જૂના નામનો ફાયદો ઉઠાવી, ’શ્રી મૂળરાજગીરી સેવાગીરી ગોસ્વામી’ નામની બનાવટી સેવાપોથી ઊભી કરી. આ નવી સેવાપોથીમાં જન્મ તારીખ 19/12/1966 દર્શાવવામાં આવી હતી. આ પેન્શન કેસ ડિસેમ્બર 2024માં રજૂ કરવામાં આવ્યો હતો. આ બનાવટી દસ્તાવેજોમાં ઉચ્ચતર પગારના સ્ટીકરો અને નોંધો પર એકાઉન્ટ ઓફિસર, ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, જુનાગઢની બનાવટી સહીઓ કરેલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
શિક્ષણ વિભાગની સઘન તપાસ
જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં મંડળના પ્રમુખ ઇલાબેન ગોસ્વામી (આચાર્યના પત્ની)ની ભૂમિકા મહત્ત્વની છે, કારણ કે તમામ દસ્તાવેજો સાચવવાની અને કચેરીમાં રજૂ કરવાની જવાબદારી મંડળના પ્રમુખની હોય છે.
ક્રોસ વેરિફિકેશનમાં પકડાયું કૌભાંડ
જ્યારે આચાર્ય દ્વારા 2024ના અંતમાં બીજો પેન્શન કેસ રજૂ કરવામાં આવ્યો, ત્યારે કચેરીના સ્ટાફને શંકા ગઈ. શિક્ષણ વિભાગે તુરંત જ 24/04/2025ના રોજ ફરિયાદી મનીષાબેન હીંગરાજીયાના અધ્યક્ષ સ્થાને અન્ય 6 સભ્યોની એક તપાસ કમિટીની રચના કરી. કમિટીની તપાસમાં સ્પષ્ટ થયું કે, જે વ્યક્તિનું પેન્શન 2023માં મંજૂર થઈ ચૂક્યું હોય, તે ફરીથી પેન્શન મેળવવા કેસ રજૂ કરી શકે નહીં. બંને સેવાપોથી અને દસ્તાવેજોની ચકાસણી કરતાં તે બનાવટી હોવાનું પુરવાર થયું. આ બંને દંપતીએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને બે પેન્શન મંજૂર કરાવવા માટેની તમામ તૈયારીઓ કરી હતી. શિક્ષણ વિભાગને આ સમગ્ર મામલો ધ્યાને આવતા જ વર્ગ 2ના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી હતી. હાલમાં આચાર્યનું બીજું કોઈ પેન્શન મંજૂર થયું નથી. જોકે, પોલીસ તપાસમાં જે વ્યક્તિઓ દોષિત જણાશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -



