રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
રાજકોટ જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂા.22 કરોડની જોગવાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આજરોજ જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, સમિતિના ચેરમેનો, જિલ્લા પંચાયત સદસ્યો, ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ, ડે.ડીડીઓ, તમામ શાખાધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કુલ 3 સદસ્યો દ્વારા કુલ 23 પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતાં. રાજકોટ જિલ્લા પંચાયતનું નાણાકીય વર્ષ 2024-25નું સુધારેલ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર બહાલી અર્થે રજૂ કરવામાં આવ્યું જેને બહાલી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હવાલો સંભાળ્યા પછી બીજી વખત જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી દ્વારા જિલ્લા પંચાયતનું સને 2025-26નું બજેટ ખાસ સામાન્ય સભા સમક્ષ મૂકવામાં આવ્યું હતું. સને 2025-26નું બજેટ પુરાંતવાળુ છે. ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી હિત ધ્યાને લઈ તૈયાર કરેલા બજેટમાં મુખ્યત્વે જોગવાઈ કરેલી છે. ગ્રામ્ય પ્રજા ઉપર કોઈ પણ જાતના નવા કરવેરા નાખવામાં આવેલા નથી.
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકાર તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલી જોગવાઈની રકમો જિલ્લાના પ્રજાજનોના કલ્યાણ, ઉત્કર્ષ, પ્રગતિ માટે વપરાય તેવી અભ્યર્થના સાથે સમિતિ સમક્ષ આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયતનું સને 2025-26ના અંદાજપત્રમાં કુલ રૂા. 1091.64 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂા. 22 કરોડની જોગવાઇ કરવામાં આવેલી છે.
વિકાસના કામો માટે 10 કરોડ 80 લાખની જોગવાઈ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની જોગવાઈ, વિચરતી- વિમુક્ત જાતિના દીકરા-દીકરી માટે શિક્ષણ સહાય માટે 20 લાખની જોગવાઈ, સગર્ભા માતાઓની ચકાસણી અને સારવાર અંગે તથા થેલેસેમિયા અને સિક્સસેલ એનિમીયા સારવાર અંગે સહાય માટે 10 લાખની જોગવાઈ, રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે આઈ.સી.ડી.એસ. વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્ત આહાર પૂરો પાડવા માટે 32 લાખની જોગવાઈ, તળાવો અને બંધારાની નહેરો અને તેની દેખરેખના કામો માટે 35 લાખની અને વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષાના કામો માટે 25 લાખની જોગવાઈ કરવામાં આવી છે અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસુચિત જાતિના સર્વાંગી વિકાસ માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે તેમજ જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયેલા પ્રતિ સૈનિકના પરિવારને રૂા. 2 લાખ ચૂકવવા 10 લાખની જોગવાઈ કરવામાં આવે છે. જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના પંચાયત સેવાના વર્ગ-3 તથા વર્ગ-4ના જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ સિવાયના (પ્રાથમિક શિક્ષકો અને કેળવણી નિરીક્ષક તથા શાળાઓ હસ્તકનો સ્ટાફ) કર્મચારીઓને ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં નાણાકીય સહાય ચૂકવવા પ્રતિ સ્વ. કર્મચારીના કુટુંબ દીઠ 1 લાખ ચૂકવવા 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
આજની આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી ગ્રાંટ (સ્વભંડોળ)માંથી સને 2020-21થી સને 2024-25 દરમિયાન સદસ્ય દ્વારા પોતાના વિસ્તારમાં સુચવેલા કામો ચૂંટણી આચારસંહિતા, જુના એસ.ઓ.આર., અન્ય કારણોસર શરૂ ન થઈ શકેલા હોય અથવા પૂર્ણ ન થઈ શકેલા હોય જે ધ્યાને લઈ આ કામો પૂર્ણ કરવા માટે તા. 31-12-2025 સુધીની મુદત વધારો કરવા આજની ખાસ સામાન્ય સભામાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.
મનરેગા શાખાનું વર્ષ 2025-26નું રાજકોટ જિલ્લાના કુલ 11 તાલુકાઓનું લેબર બજેટ, રાજકોટ જિલ્લામાં હાલ કુલ અંદાજે 600 જેવા ગામોનો સમાવેશ થયેલો છે. આ ગામોમાં ઘણાખરા અંશે ઉનાળા દરમિયાન પીવાના પાણી તથા ખેતી માટે સિંચાઈના પાણીની અછત રહે છે. આ તમામ ગામોમાં ગામદીઠ એક તળાવ બનાવવા માટે એક તળાવ માટે રકમ રૂા. 25 લાખ લેખે સરકારમાં અંદાજે કુલ રકમ રૂા. 150 કરોડ જેટલી ગ્રાન્ટની માગણી કરતો ઠરાવ, રાજકોટ જિલ્લામાં આ તમામ 600 જેવા ગામોમાં કોઈક જગ્યાએ ગૌચર કે કોઈક જગ્યાએ સરકારી ખરાબો અથવા ગામતળ પર નાના-મોટા દબાણો થયેલા હોય છે જેના લીધે ઘણીવાર સ્થાનિક લેવલે પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં લોકો વચ્ચે નાના-મોટું ઘર્ષણ થાય છે જેથી તમામ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા આનો નિષ્પક્ષ સર્વે કરી માહિતી આપવાનો ઠરાવ અને રાજકોટ જિલ્લામાં હાલ અંદાજે 600 જેવા ગામોનો સમાવેશ થયેલો છે. હવેના સમયમાં ઉનાળાની શરૂઆત થઈ ગયેલ હોય ગામના તમામ પશુ અને પક્ષીઓ માટે જાહેર જગ્યાઓ પર પીવાના પાણીની વ્યવસ્થા દરેક ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે તે માટે દરેક ગ્રામ પંચાયતને સૂચના આપવાનો ઠરાવ આજની ખાસ સામાન્ય સભામાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.