બંનેએ અંગત કારણોસર નોકરી છોડતાં હોવાનું જણાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપામાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ શરૂ થયેલો રાજીનામાંનો સિલસિલો હજુ પણ યથાવત જ છે ત્યારે વધુ બે ઇજનેરે રાજીનામાં આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ડે. ઈજનેર હરેશ સોંડાગર અને અંબેશ દવેએ પોતાનું રાજીનામુ આપ્યું છે. કામનું ભારણ વધી રહ્યું હોવાથી અધિકારીઓ રાજીનામુ આપતા હોવાની ચર્ચા વચ્ચે આ બંનેએ પણ મગનું નામ મરી પાડવાને બદલે અંગત કારણે નોકરી છોડતા હોવાનું જણાવ્યું હતું.પ્રાપ્ત વિગત અનુસાર સ્માર્ટ સીટી તેમજ વોટર વર્કસ વિભાગમાં ડે.એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારી હરેશ સોંડાગરે તેમના પદ પરથી રાજીનામુ આપ્યું છે. તેઓ સિવિલ આસી. ટાઉન પ્લાનર છે. આ ઉપરાંત અગાઉ ટીપી શાખામાં ફરજ બજાવતા અને બાદમાં બદલી થયેલા નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા અંબેશ દવેએ પણ ડે.ઇજનેર પદ પરથી રાજીનામુ રજૂ કર્યુ છે. જેને લઈને રાજકોટ મનપામાં વધુ બે એન્જિનિયરની ખોટ પડશે. અને કામગીરી ઇન્ચાર્જને સોંપવામાં આવે એવી શક્યતા છે.રાજીનામુ આપનાર હરેશ સોંડાગર સાથે ટેલીફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોતે વર્ષો સુધી ફરજ બજાવી છે અને રિટાયર્ડ થવામાં વધુ સમય પણ બાકી રહ્યો નથી પરંતુ, હાલ કેટલાક કૌટુંબિક કારણોસર તેમણે પોતાના પદ પરથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે.
અને બાકીનો પારિવારિક જવાબદારી નિભાવવા માટે આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે અંબેશ દવેએ મિડીયાને જણાવ્યું હતું કે, મનપામાં 34 વર્ષ સુધી વિવિધ કામગીરી કરી છે. પરંતુ હાલ પરિવારમાં મારી જરૂરિયાત ઉભી થઇ છે. જેને લઈને રાજીનામુ આપ્યું છે. બંનેએ કામનું ભારણ વધ્યું હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોર્પોરેશનના પર્યાવરણ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રજેશ સોલંકીએ પણ રાજીનામુ આપ્યું હતું અને ફરી મૂળ નાયબ એન્જિનિયરની જગ્યાએ જ કામ કરવા ઇચ્છા દર્શાવી હતી પરંતુ, પૂર્વ કમિશનરે તેમને મુકત કર્યા ન હતા. હવે નવા કમિશનરના કાર્યકાળમાં તેઓએ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અન્ય બે એન્જિનિયરોએ પણ નોકરી છોડવાનો નિર્ણય કરતા બે નવા રાજીનામા પહોંચ્યા છે. ત્યારે હવે તેઓ આ રાજીનામાં અંગે શુ નિર્ણય કરે છે? તે જોવું રહ્યું.