દેવનંદન રેસીડન્સી, ધર્મદર્શન, નિલકંઠ સોસાયટીના રહીશોનું મનપામાં લેખિત આવેદન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારની સોસાયટીઓમાં પીવાનું પાણી ઘણા સમયથી આવતું ન હોવાથી લોકો ટેન્કર મગાવવા મજબૂર છે. જ્યારે રસ્તા, ગટર, સફાઇ સહિત પ્રશ્ને પરેશાની થઇ રહી છે. આથી રહીશોએ મનપા કચેરીએ અને પાલિકામાં લેખિત રજૂઆત કરી સમસ્યા દૂર કરવા માગ કરી હતી. સુરેન્દ્રનગના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા રહે છે જ્યારે વિવિધ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાથી રહીશો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે શહેરના દેવનંદન રેસીડન્સી, ધર્મદર્શન, નીલકંઠ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાન મળતા રહીશો પરેશાન થતા હતા. આથી મનપા કચેરીએ આવેદન પાઠવયું હતું.
- Advertisement -
આ અંગે વિસ્તારના કે.એન. રાજદેવ, વિઠલાપરા બીરેન, ધર્મીષ્ઠાબેન ગોહિલ, રીનાબેન, શશીબેન સહિતના રહીશોએ જણાવ્યું કે અમે છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ. પીવાનું પાણી બિલકુલ આવતું નથી. અમો લોકોએ આ અંગે વારંવાર રજૂઆત કરી છે છતાં કોઇ નવા મકાનોને પાણીના જોડાણ આપ્યા નથી. અમારે પીવાના તેમજ વાપરવાના પાણીની તકલીફ રહે છે, પાણી ન આવવાના કારણે રોજના 2 ટેન્કર રૂ. 400ના ફેરાના ભરી મગાવવા પડે છે. સામાન્ય માણસોને પોષાય તેમ નથી છતાં નછૂટકે મગાવવા પડે છે.
હાલ ગરમીમાં પાણી ન આવવાથી હેરાન થતાં હોવાથી તાત્કાલિક પાણી રોજના 2 ટેન્કર આપવા માગ છે. જ્યારે અમારા વિસ્તારમાં ચોમાસામાં પાણી નિકાલની વ્યવસ્થા કે ગટર નથી, પાકા રોડ પણ નથી, જેથી ચોમાસામાં આવવા જવામાં મુશ્કેલી રહે છે. અમારા વિસ્તારમાં પાણી, ગટર સફાઇની પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. આથી જો તાત્કાલિક અસરથી કાર્યવાહી નહીં કરાય તો નછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.