વીજ કચેરીના હાજર સ્ટાફે સમસ્યા હલ કરવાને બદલે લોકો સાથે અપમાનજનક વર્તન કરતાં મામલો બિચક્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
મોરબી નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે આવેલી સિરામીક સીટીમાં સતત વીજ ધાંધિયા હાજરી પુરાવી રહ્યા હોય અને સોમવારે અડધી રાત્રે ફરી વીજળી ગુલ થયા બાદ ફોન ઉપર યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક પીજીવીસીએલ કચેરીના સ્ટાફની ઘોર બેદરકારીથી કંટાળી ગયેલા સીરામીક સીટીના રહીશો વિફર્યા હતા.
- Advertisement -
આથી રોષે ભરાયેલા રહીશોના ટોળાએ મધરાત્રે સ્થાનિક પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કરીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તો બીજી તરફ રહીશો અને વીજ સ્ટાફ વચ્ચેના ઘર્ષણ બાદ સ્ટાફે રહીશોને ગાળો ભાંડી ગેર વર્તન કરી કચેરીમાંથી તગેડી મુકયા હોવાથી આ અંગે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
સિરામિક સીટીમાં રહેતા આશાબેન બાધુભાઈ કરપડા, સિધ્ધરાજસિંહ ઝાલા, વિજયભાઈ ભીમજીભાઈ, પ્રેમજીભાઈ પીતાંબરભાઈ પરમાર સહિતના રહીશોએ પીજીવીસીએલ કચેરીના ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી હતી કે, સિરામીક સીટીમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અંદાજીત 5 હજાર જેટલા લોકો રહે છે. પરંતુ આ નવી બનેલી આ સીરામીક સીટીમાં સ્થાનિક વીજ તંત્ર યોગ્ય સર્વિસ આપી શકતું ન હોવાથી હજારો લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. સીટીમાં છેલ્લા એકાદ મહિનાથી સતત વીજળી ગુલ થયા કરે છે. વારંવાર લાઈટ જતી રહેતી હોવાથી રહીશો જ્યારે જ્યારે સ્થાનિક વીજ ફોલ્ટ સેન્ટરમાં ફોન કરે ત્યારે ફોન રિસીવ થતો જ નથી.
ઘણીવાર ફોન રિસીવ કરે તો હાજર સ્ટાફ ઉડાઉ જવાબ આપે છે. આવી રીતે કાયમી વીજ ધાંધિયા થાય છે અને વીજ તંત્રની બેદરકારીને કારણે લોકોને વિના કારણે હેરાન થવું પડે છે. લાઈટ ગયા બાદ ફરી ક્યારે લાઈટ આવે એ નક્કી જ હોતું નથી. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે સોમવારે રાત્રે 12 વાગ્યે સીરામીક સીટીમાં ઓચિંતા જ લાઈટ ગુલ થઈ જતા રોજ રોજની વીજ સમસ્યાથી કંટાળી ગયેલા આ વિસ્તારના લોકોની આકરી કસોટીનો અંત આવી ગયો હતો અને રોષે ભરાયેલા સિરામીક સીટીના લોકો ગઈકાલે અડધી રાત્રે વીજ કચેરીએ દોડી ગયા હતા
વારંવાર લાઈટ કેમ ગુલ થાય ? તેમજ ફોન ઉપાડતા કેમ નથી તેવી ઉગ્ર રજુઆત કરતા હાજર વીજ સ્ટાફે રહીશોને ગાળો આપી અપમાનજનક વર્તન કરીને કચેરીમાંથી કાઢી મુકયા હોવાનો આક્ષેપ કર્યો હતો.