મધુરમ વિસ્તારમાં સોમનાથ ટાઉનશિપના લોકો ખાડાં-ખબડાવાળા રસ્તાથી ત્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, ગેસની લાઇન, પાણીની પાઇપ લાઇનના કારણે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ચોમાસા સુધી સમારકામ કરવામાં આવ્યુ નથી. તેવામાં પડેલા વરસાદના કારણે રસ્તાઓમાં કાદવ-કિચડનું સામ્રજ્ય થઇ ગયુ છે. લોકોને તેમના ઘે જવુ હોય તો પણ મુશ્કેલી છે. ખરાબ રસ્તાઓના કારણે શાળાના વાહનો પણ સોસાયટીઓમાં આવતા બંધ થઇ ગયા છે. આડેધડ ખોદી નાખેલા રસ્તાથી સ્થાનિકોને ચાલવામાં મુશ્કેલી પડે છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવ્યુ જેથી મોટી મુશ્કેલી ઉભી થઇ છે.
આજે મધુરમ વિસ્તારની સોમનાથ ટાઉનશીપના મહિલા સહિતના લોકો મનપા કચેરી ખાતે દોડી આવ્યા હતા. ભૂગર્ભ ગટરની બીજા તબકકાની કામગીરીને લઇ શેરીઓમાં ખોદકામ કરવામાં આવી રહ્યુ છે ખોદકામ કર્યા બાદ ત્યાં કોઇપણ જાતનું રિપેરીંગ કે ચાલી શકાય તેવી વ્યવસ્થા કરવામાં ન આવતી હોવાથી આવી મુશ્કેલીઓ ઉભી થાય છે.



