ખાસ-ખબર સંવાદદાતા
આરોગ્ય વિભાગના કડક વલણ સામે આખરે રેસિડેન્ટ ડોક્ટરો ઝૂક્યા છે. 13 દિવસથી ચાલેલી હડતાળ અંતે 14માં દિવસે સમેટી લેવામાં આવી છે. આજથી તમામ હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોએ ડ્યુટી પર જોડાવાની શરૂઆત કરી છે. આમ, 13 દિવસ બાદ આજથી ફરી કોવિડ, ઈમરજન્સી, વોર્ડ તેમજ ઘઙઉ સેવાઓ પૂર્વરત થશે. સિનિયર રેસીડેન્સીને બોન્ડમાં સમાવવાની માગ પૂર્ણ નાં થવા છતાં હડતાળિયા ડોક્ટરો તમામ ડ્યુટી પર જોડાવવા મજબૂર બન્યા હતા.
ગઈકાલે આરોગ્ય વિભાગના ઉચ્ચઅધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન તેમજ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ વચ્ચે મળેલી બેઠકમાં હડતાળિયા ડોક્ટરો હડતાળ યથાવત રાખે તો રેસિડેન્ટશિપ રદ્દ કરી નાંખવાની ચીમકી આપવામાં આવી હતી. જો તબીબોની રેસિડેન્ટશિપ રદ્દ કરવામાં આવે તો ડોક્ટરોએ બોન્ડની 40 લાખ રૂપિયાની રકમ ભરવી પડે. આવી સ્થિતિમાં તેમની પાસે હડતાળ સમેટી લેવા સિવાય બીજો કોઈ ઓપ્શન ન હતો.