-અજયરાય 2014, 2019 માં પીએમ મોદી વિરૂધ્ધ ચૂંટણી લડયા હતા
આગામી સમયમાં મધ્યપ્રદેશ તથા રાજસ્થાન સહીતના રાજયોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસે ગુરૂવારે પાર્ટીનાં સંગઠનમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. પાર્ટીએ દલીત નેતા બ્રિજલાલ ખાબરીને હટાવીને ભૂતપૂર્વ ધારાસભ્ય અજયરાયને ઉતર પ્રદેશ કોંગ્રેસનાં વડા બનાવ્યા છે. જયારે રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશનાં પ્રભારી મહાસચીવ બનાવવાની જાહેરાત કરી છે.
- Advertisement -
કોંગ્રેસના રાજય એકમોમાં સંગઠનાત્મક ફેરબદલ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ નિમણુંકો કરવામાં આવે તેવી શકયતા છે. કર્ણાટકનાં પ્રભારી એવા સુરજેવાલાને જયપ્રકાશ અગ્રવાલનાં સ્થાને મધ્યપ્રદેશનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
અજયરાય ઉચ્ચ જાતિનાં ભૂમિહાર છે તેઓ 2014 અને 2019 માં વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડયા હતા અને હાર્યા હતા. અજયરાય 1996-2017 ની વચ્ચે લગભગ 20 વર્ષ સુધી ધારાસભ્ય હતા. 20112 માં કોંગ્રેસમાં જોડાયા તે પહેલા તેઓ ભાજપ અને સમાજવાદી પાર્ટીમાં હતા.