મોદી સરકાર 3.0ને કેન્દ્રની સત્તામાં સ્થાપિત કરવા ટેકો જાહેર કરનારા સૌથી મોટા સાથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભાજપના દિગ્ગજ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત અન્યો તેમના ભાષણોમાં ધર્મના આધારે અનામત આપવાનો અનેકવાર મંચ પરથી વિરોધ કરી ચૂક્યા છે. જોકે હવે તેમના માટે આંચકાજનક અહેવાલ એ છે કે નવી મોદી સરકાર 3.0ને કેન્દ્રની સત્તામાં સ્થાપિત કરવા ટેકો જાહેર કરનારા સૌથી મોટા સાથી ટીડીપીએ જ કહી દીધું છે કે આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને મળતી અનામત જારી રહેશે. હવે આ મામલે મોદી અને શાહની પ્રતિક્રિયા જોવાની રાહ રહી.
એનડીએના નવા સહયોગી તેલુગુ દેશમ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આંધ્રપ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ રહેશે. આંધ્રમાં એનડીએએ ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં જંગી જીત મેળવી છે. નાયડુની પાર્ટી જગનમોહન રેડ્ડીની પાર્ટીને હરાવીને સત્તામાં પરત આવી છે. ટીડીપી સાંસદે આજે સ્પષ્ટ કર્યું છે કે આંધ્રપ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ રાખવામાં કોઈ સમસ્યા નથી. કે રવિન્દ્રનું નિવેદન એ અર્થમાં મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ અને પીએમ મોદીએ સતત આક્રમક પ્રચાર કર્યો હતો કે તેમની સરકાર મુસ્લિમ આરક્ષણ લાગુ કરવા દેશે નહીં. આંધ્રપ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ રહેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ટીડીપી નેતા કે રવિન્દ્ર કુમારે કહ્યું, હા, અમે તેને ચાલુ રાખીશું. કઈ વાંધો નથી. નવી એનડીએ સરકારમાં ટીડીપીની માંગણીઓ અંગે પૂછવામાં આવતા પાર્ટીના નેતા કે રવિન્દ્ર કુમારે કહ્યું કે, આજે માંગણીઓ પર ચર્ચા કરવાનો સમય નથી પરંતુ અમે એનડીએનો ભાગ છીએ. માંગનો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી. આ ચૂંટણી પૂર્વેનું જોડાણ છે. જ્યારે પણ જરૂર પડી ત્યારે અમે કેન્દ્રની મદદ લીધી. અમે કેન્દ્રીય યોજનાઓ લેતા હતા અને કેન્દ્ર-રાજ્યની બેઠકો વહેંચતા હતા અને એપી પુનર્ગઠન કાયદો પણ લીધો હતો. તે એક સતત પ્રક્રિયા છે. પ્રાથમિકતા આંધ્ર પ્રદેશનું પુન:નિર્માણ કરવાની છે કારણ કે તે 25 વર્ષ પાછળ જતું રહ્યું છે.