વહીવટી તંત્ર, ફાયર, પોલીસ, હેલ્થની કામગીરીથી જીવ બચાવ્યો: મોકડ્રિલ હોવાનું જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
“સાહેબ, એક વ્યક્તિ ધસમસતા પાણીમાં કોઝવેમાં ફસાયો છે. પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. બચાવી લો…” જિલ્લા કલેકટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન આવતાં ચોક્કસ સ્થળ સહીત સમગ્ર વિગત મેળવી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું. સાથોસાથ ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન અને તાલુકા હેલ્થ ઓફિસરને બનાવના સ્થળે જરૂરી વ્યવસ્થા સાથે તાત્કાલિક પહોચવા માટે જાણ કરવામાં આવી હતી થોડી મિનિટોમાં સમગ્ર ટીમ ઘટના સ્થળ એવા લોધિકાના પાળ ગામથી જશવંતપુર ગામ જવાના રસ્તે આવેલ ક્રોઝવે પર પહોંચી રેસ્ક્યુ કામગીરીનો પ્રારંભ કર્યો. ફાયર ફાઈટર વિભાગના જવાનોએ જીવન રક્ષક સાધનો સાથે કોઝવેના પાણીમાં ફસાયેલા યુવકને ટ્યુબની મદદથી બહાર કાઢ્યો. આરોગ્ય વિભાગની ટીમ અહીં ઉપસ્થિત હોઈ દર્દીને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ વધુ સારવાર્થે તાલુકા હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
તમામ વિભાગના સંકલનથી યુવકનું સફળ રેસ્ક્યુ અને સારવાર મળતા હાલ યુવક સ્વસ્થ છે. આ સમગ્ર ઘટના અંગે લોધીકા મામલતદારશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હોઈ કોઈ દુર્ઘટના ના બને તે માટે આ પ્રકારે ફ્લડની મોકડ્રીલ કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશની સૂચનાથી સમગ્ર વહીવટી તંત્ર હાઇએલર્ટ રાખવામાં આવ્યું છે.