ખાસ-ખબર સંવાદદાતા
સલાયાના લાકડાના અનેક વહાણો અખાતી દેશોમાં દરિયાઈ ટ્રાન્સપોર્ટેશન વ્યવસાયમાં રોકાયા છે. આ ઉપરાંત અનેક ખલાસીઓ પણ વહાણો અને વિદેશી ટ્રાન્સપોર્ટેશન એજન્સીમાં કામ કરે છે. તાજેતરમાં ગત તા. 9મીના રોજ એક લોન્ચમાં 140 મોટર કારોને લોડ કરીને યમન લઈ જવાતી હતી ત્યારે આગ લાગતા આખી લોન્ચ બળીને ખાખ થઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દુબઈથી એક લોન્ચમાં 140 મોટર કારને ગોઠવી યમન તરફ લઈ જવાતી હતી. એ વખતે મધદરિયે કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી.થોડી વારમાં તો બધી કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. આ જ લોન્ચમાં સલાયાના છ ખારવા યુવાન અને આઠ મુસ્લિમ સમાજના યુવાનો ખલાસી તરીકે ફરજ બજાવતા હતા એ બધા દરિયામાં કુદી પડયા હતા. એ પછી દુબાઈના કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન કરીને આ 14 ખલાસીઓને બચાવી દુબાઈ બંદરે સહી સલામત પહોંચાડી દીધા હતા. જે સમાચાર અહી આવતા જ બધા પરિવારોએ ચિંતામાંથી હાશકારો મેળવ્યો હતો. અને સૌ કોઈ ખુશી થયા હતા. હવે આ બધા ઈમિગ્રેશન વિધિ કરીને નજીકના જ દિવસોમાં ભારત સલાયા પરત આવી જશે.