આરોપી સામે ખંડણી માંગ્યાની કલમનો ઉમેરો કરવા ઉઠાવી માંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રહેતા યુવકે તાજેતરમાં લોધિકા પંથકમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટનામાં વિરમગામના પીએસઆઈ સામે મરવા મજબૂર કરવા અંગે ગુનો નોંધાયા બાદ તેની સામે ખંડણી માંગ્યાની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગણી ફરિયાદી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
મૃતક દીપકભાઈના પત્ની અલ્પાબેનએ પરિવારજનો સાથે એસપી સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે મારા પતિ સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓએ લોધિકા તાલુકાના ખાંભા નજીક એક મંદિરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ છે આ અંગે મારી ફરિયાદ લઈ લોધિકા પોલીસે આઈપીસી 306 મુજબ ગુનો દાખલ કર્યો હતો આરોપી હિતેન્દ્ર પટેલ પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપીએ અમો ફરીયાદીના પતિ સામે અગાઉ પ્રોહીબીશનનો કેસ કરેલ હતો અને ત્યારે મારા પતિને ધાક ધમકી આપી રૂ.3 લાખ ગેરકાયદેસર રીતે પડાવી લીધેલ હતા તેમજ તા. 14/2/2024 નાં રોજ અજાણ્યા વ્યકિતનો દારૂ પકડાયેલ તેમાં મારા પતિનું ખોટી રીતે નામ ખોલાવવાની ધમકી આપી વારંવાર મારા પતિને ત્રાસ આપતા હોય અને જો ખોટા કેસમાંથી બચવુ હોય તો 10 લાખ તાત્કાલીક આપવા પડશે તેવું જણાવતા હોય જેથી આરોપીના અસહય ત્રાસને લીધે પતિએ આપઘાત કરી લીધો હતો આ કામનાં આરોપી પી.એસ.આઈ. હિતેન્દ્ર પટેલે અવારનવાર ગેરકાયદેસર ખંડણીની માંગ કરતા હોય અને પતિને ધમકી પણ આપતા હોય કે તને જીવતો નહી રહેવા દઉં, તારા પર ખોટો કેસ કરતો રહીશ તેવી ધમકીથી કંટાળી આપઘાત કરી લીધો હોય આ ગુનામાં આરોપી પીએસઆઇએ ખંડણીની રકમ માંગી હોય, ગુનામાં કલમ – 383, 386, 506(2) નો ઉમેરો કરવામાં આવે તેવી રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકને રજુઆત કરવામાં આવી છે.
રાજકોટના યુવકને મરવા મજબૂર કરનાર વિરમગામના PSI સામે SPને રજૂઆત
