જિલ્લા પંચાયતના શાસકો વિકાસના કામો પૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતમાં છેલ્લાં એક વર્ષથી ભાજપના શાસકો સત્તારૂઢ થયા છે ત્યારબાદ જે વિકાસના કામોમાં ગતિ મળવી જોઈએ તે પ્રકારની કામગીરી સદંતર થઈ રહી નથી. શરૂઆતમાં એવું લાગતું હતું કે રાજ્ય સરકાર ભાજપની છે અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે તો લોકોને વિકાસના કામોની અપેક્ષા હતી પરંતુ આ અપેક્ષા ઠગારી નિવડી છે. વધુમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અવારનવાર રજૂઆતો પ્રશ્ર્નો દ્વારા કરી હતી પરંતુ શાસકો દ્વારા આ વાતને ગંભીરતાથી નહીં લઈ અને મારા પ્રશ્ર્નોના પ્રત્યુત્તર આપવામાં પણ નિષ્ફળ નીવડ્યા હતાં. સાથે સાથે સામાન્ય સભાના ફ્લોર ઉપર વાત મૂકવામાં આવે ત્યારે અમુક કહેવાતા સભ્યો કે જેને માત્ર પ્રશ્ર્નોને રોકવા અને સામાન્ય સભામાં કેમ જવાબદારીથી ભાગવું? તેવું વલણ દાખવવામાં આવે છે. સિંચાઈમાં 80 ટકા સ્ટાફની ઘટ છે. તો સિંચાઈમાં જે બજેટ ત્રણ કરોડની આસપાસ ફાળવો છો તેનો કોઈ ઉપયોગ ત્રણ મહિનાની અંદર થઈ શકે તેમ નથી. બજેટ ફાળવતા પહેલાં સ્ટાફની ગ્રાઉન્ડ લેવલ પરની કામગીરી ખૂબ અગત્યની હોય છે છતાં શાસકો દ્વારા ગંભીરતાપૂર્વક લેવામાં આવતી નથી.
સંકલનની બાબતમાં જિલ્લા પંચાયતના શાસકોમાં રોજબરોજ માથાકૂટ અને ઝઘડાઓ સામે આવ્યા છે ત્યારે આ અંગે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુનભાઈ ખાટરીયાએ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીને રજૂઆત કરી હતી.