ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકશાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકાર દ્વારા મળેલ સુચના અનુસાર તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, મેટલીંગની કામગીરી પૂરજોશમાં કરાઇ રહી છે.
વરસાદી પાણીના પ્રવાહને પરિણામે ધોવાણને પામેલા રસ્તાઓ ત્વરિત મરામત કરી જન સમસ્યાઓનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના માર્ગો જેવા કે ખડીયા-મેંદરડા-સાસણ રોડ, ખામઘ્રોળ-મજેવડી-માખીયાળા રોડ, મેંદરડા-ખોરાસા-લુશાળા-ખોખરડા રોડ, વંથલી-માણાવદર-બાંટવા-સરાડીયા રોડ, નરેડી-બોડકા-પીપલાણા રોડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારો માર્ગોની મરામત કરવામાં આવી રહી છે. આ સંદર્ભે કાર્યપાલક ઇજનેર શ્રી દિનેશ નાઘેરાએ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓની મરામત કામગીરીની વિગત આપતા જણાવ્યું હતું કે, બિસ્માર બનેલા માર્ગનું પૂરજોશમાં રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે જે વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે.