ખેડૂત અન્નદાતા સાથે ઉર્જાદાતા બની ગ્લોબલ બાયો ફ્યુઅલ પ્રોડ્યુસર બનશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે કોડિનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતાં સાથે ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને 10 હજાર થી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે.
- Advertisement -
આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ, તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરુ પાડી ’અન્નદાતા’ કહેવાય છે, તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે. ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો ’ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર’ બની ’ઉર્જાદાતા’ પણ બનવાના છે. વર્ષોથી ખેડૂતોની અલગ ’સહકાર મંત્રાલય’ બનાવવાની માંગણી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બીજી ટર્મમાં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા જ ’સહકાર મંત્રાલય’ બનાવીને ખેડૂતોની આ માંગ પૂરી કરી છે. ’પેક્સ થી અપેક્સ’ સુધી અને જિલ્લા અને અર્બન બેંકોનો સંગઠન બનાવવા સાથે 60 કરોડથી વધુ ખેડૂતોને તેનો લાભ મળે તે રીતે આવનારા જીવન માટે વિકાસના દ્વાર ખોલી દીધાં છે.
ઇન્ડિયન પોટાશ લિમિટેડ આ વિસ્તારના ખેડૂતોને નવી શેરડીનું બિયારણ મળે, ઉત્પાદન વધે, ડ્રોન ટેકનીકથી ખાતરનો છંટકાવ થાય, નવા સાધનો મળે, ગેસનું ઉત્પાદન થાય વગેરે માટે પણ કાર્ય કરવાની છે. આ બધાથી આ વિસ્તારના ખેડૂતોની સમૃદ્ધિ ચોક્કસ વધશે જ તેઓ વિશ્વાસ મંત્રીશ્રી વ્યક્તકર્યોહતો.