ખાસ-ખબર દ્વારા આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો
રાજકોટ પદ્મકુંવરબા હોસ્પિટલમાં લેબરરૂમની લાંબા સમયથી બાકી રહેલી રીનોવેશન કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ છે. ખાસ ખબર ન્યૂઝ દ્વારા 4 ઑક્ટોબરના રોજ લેબરરૂમના ખરાબ હાલત અંગે પ્રકાશિત કરાયેલા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક કામ શરૂ કર્યું હતું. હવે રીનોવેશન કામગીરી પૂરી થતા લેબરરૂમને આધુનિક સુવિધાઓ સાથે ફરી શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર વિભાગમાં 4 એર-કન્ડિશનર, 11 પંખા, 20 ટ્યુબલાઇટ અને 2 ટેબલ ફેન મુકવામાં આવ્યાં છે. આ ઉપરાંત 24 નવા પડદા સાથે 8 નવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વ્યવસ્થાઓને કારણે લેબરરૂમ હવે આધુનિક અને સ્વચ્છ બની ગયો છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ગરમી, અંધારું, સ્વચ્છ હવાનો અભાવ અથવા બેડની અછત જેવી સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે તેવું તંત્રનું માનવું છે. આ પરિવર્તનથી દાયકાઓથી સેવા આપતી પદ્મકુંવરબા હોસ્પિટલમાં માતૃત્વ સેવા વધુ સુગમ બનશે.



