ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીઓને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા માટે 16 થી 31 જાન્યુઆરી દરમિયાન આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની કુલ 415 આંગણવાડીઓમાં સમારકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.
જિલ્લાની કુલ 1249 આંગણવાડીઓ પૈકી પોતાના મકાન ધરાવતી 860 આંગણવાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જેમાં 415 કેન્દ્રોમાં નાના સમારકામની કામગીરી પૂર્ણ કરાઈ છે. જયારે 152 કેન્દ્રોમાં હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમજ 13 કેન્દ્રોમાં મોટા સમારકામ રૂ. 2 લાખની ગ્રાન્ટ પૂર્ણ, જ્યારે 39 કેન્દ્રોમાં રીનોવેશન ચાલુ છે. બાળકોને પોષણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ આકર્ષક અને સુરક્ષિત ભૌતિક માળખામાં મળી રહે તે સુનિશ્ચિત કરવું. આ ઝુંબેશ માત્ર સમારકામ પૂરતી મર્યાદિત નથી. 100 ગુણના સ્કોરકાર્ડ અને 25 વિવિધ માપદંડો (જેમ કે શુદ્ધ પાણી, શૌચાલય, વોલ પેઈન્ટિંગ) ને આધારે શ્રેષ્ઠ 3 આંગણવાડીઓની પસંદગી કરી પુરસ્કાર આપવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી સુશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ, સરકારી ગ્રાન્ટ તેમજ ઈજછ ફંડના સહયોગથી આ કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.



