36 કરોડનાં પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર થયાનાં 8 માસ વિતવા છતાં પણ કામગીરી આગળ નથી વધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા જિલ્લા પંચાયત કચેરીનાં બિલ્ડીંગનું રૂ. 36 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં આખા બિલ્ડીંગને પાડીને નવી આધુનિક ઇમારત બનાવવામાં આવનાર છે. આ માટે ગત તારીખ 16 માર્ચનાં રોજ વર્ક ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કચેરીનો બધો સામાન ખસેડી આખી કચેરીનું જૂની કોર્ટનાં બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે વર્ક ઓર્ડર મુજબ 18 માસના આ પ્રોજેકટમાં વર્ક ઓર્ડર થયાનાં 8 મહિના બાદ હજુપણ કામગીરી આગળ વધી નથી. આ કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવનાર છે. જોકે ક્યારે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે તેની કોઈ ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જેને લઈ અરજદારો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષો જુનું બિલ્ડીંગ તોડીને નવી આધુનિક ઇમારત બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. જિલ્લા પંચાયતના શાસકોએ સરકારી ડિઝાઇનને બદલે સ્વતંત્ર ડિઝાઇન મંજૂર કરાવીને પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જે માટે રૂ. 36 કરોડથી વધુનાં ખર્ચનો અંદાજ મુકાયો હતો. પ્રોજેક્ટ મંજૂર થયો ત્યારે જ લોકસભાની ચૂંટણી માથે હતી. આચારસંહિતા લાગુ પડી જાય તો પ્રોજેક્ટમાં ત્રણ-ચાર મહિનાનો વિલંબ થવાની શક્યતા હતી. તે નિવારવા માટે શાસકોએ રાત ઉજાગરા કરીને મંજૂર થયેલા ટેન્ડરના કોન્ટ્રાક્ટર પાસે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી ગત તારીખ 16 માર્ચનાં રોજ વર્ક ઓર્ડર આપી દેવાયો હતો.
સ્થળાંતરથી માંડીને એક પછી એક અવરોધો સર્જાતા રહ્યા હતા. પરિણામે સમગ્ર કામગીરીમાં ઢીલ થતી રહી છે. પ્રથમ સ્થળાંતર માટે વૈકલ્પિક બિલ્ડીંગ સોંપણીમાં વિલંબ સહિતના વિઘ્નો નડ્યા હતા. જોકે સ્થળાંતરને પણ ત્રણેક મહિના જેવો સમય થઇ ગયો હોવા છતાં કામગીરી આગળ વધી નથી. વર્ક ઓર્ડરની શરત પ્રમાણે કોન્ટ્રાક્ટરે 18 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે. જોકે હાલ 8 મહિના વીતી જવા છતાં પણ ખાતમુહૂર્ત ક્યારે થાય અને પ્રોજેક્ટ ક્યારે આગળ વધશે તે કહેવું મુશ્કેલ છે.