જૂનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં ગુણ સુધારા કૌભાંડને લઇ કોંગ્રેસ મેદાને આવી
સમિતિનાં અહેવાલ વગર કોમ્પ્યૂટર પર કામ કરતાં કર્મચારીઓને કેવી રીતે છૂટ્ટા કર્યા?
- Advertisement -
ગુણસુધારા કૌભાંડમાં શું તપાસ થઇ રહી છે તે છુપાવવામાં આવી રહ્યું છે: કૉંગ્રેસ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિર્સિટીમાં ગુણ સુધારા કૌભાંડ થઇ રહ્યાંનાં આક્ષેપ થયા છે. યુનિવર્સિટીમાં અનેક વિભાગમાં ગુણ સુધારવાનું કૌભાંડ સામે આવતા ભારે ચર્ચા જાગી છે. છેલ્લા ઘણા સમયથી ગુણ સુધારણા કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઘટના સામે આવતા એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે. પરંતુ તપાસ સમિતિનાં નામે નાટક ચાલતું હોવાનાં કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે. યુનિવર્સિટીમાં ચાલતા ગુણ સુધારા કૌભૌડને લઇ હવે કોંગ્રેસ મેદાને આવી છે.
ગુણ સધારા કૌંભાંડનો રિપોર્ટ ન આવે ત્યા સુધી કુલપતિને દુર કરવા માંગ કરી છે. તેમજ કેટલા સવાલ ઉઠાવ્યાં છે. જૂનાગઢમાં આજે કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ અને એનએસયુઆઇનાં પ્રમુખ યુગ પુરોહિત દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા ડો. નિદત્ત બારોટે જણાવ્યું હતું કે, જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાનાં પરિણામમાં ગુણ સુધારણા કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સહિત અનેક લોકોની વારંવાર રજૂઆત હોવા છતાં કુલપતિ ચેતન ત્રિવેદી સમગ્ર પ્રકરણને રફે દફે કરવાના ભાગરૂપે સાચી ખોટી સમિતિ બનાવી તપાસ ચાલુ છે તેવું બહાનું બતાવી રહ્યા છે.
- Advertisement -
તપાસ સમિતિના અહેવાલ વગર કુલપતિએ કમ્પ્યુટર પર કામ કરતા કર્મચારીઓને કેવી રીતે છૂટા કર્યા ?તેનો તેમણે જવાબ આપવો જોઈએ. જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તે કર્મચારીઓના તપાસ સમિતિએ નિવેદનો લીધા કે કેમ ? અને આ નિવેદનો શું છે ? તે જાહેર કરવા જોઈએ. નાના કર્મચારીઓને આ ખોટું કામ કરાવવા માટે યુનિવર્સિટીના કયા મોટા માથા સંકળાયેલા છે ?તે જાણવા માટે કુલપતિ શું કરી રહ્યા છે? તે તેમણે જાહેર કરવું જોઈએ. કેટલી પરીક્ષાઓમાં ગુણ સુધારા કૌભાંડ થયું છે અને તેની શું તપાસ થઈ રહી છે તે છુપાવવામાં આવી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની બહુ સ્પષ્ટ માગણી છે કે, જ્યાં સુધી ગુણ સુધારા કૌભાંડનો રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી હાલના કુલપતિ ચેતન ત્રિવેદીને દૂર કરવા જોઈએ. તેની બદલે રાજ્ય સરકારે પોતાની સરકારી કોલેજના આચાર્યને જવાબદારી સોંપવી જોઈએ અને આ સમગ્ર ગુણ સુધારણા કૌભાંડમાં સંડોવાયેલા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો અને ડિનઓ છે કે કેમ, કુલપતિ પોતે છે કે કેમ આ બધી બાબતની તપાસ કરવી જોઈએ.ગુજરાતના મહામહિમ રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના ચાન્સેલર આંખ બંધ કરીને બેસી રહે તે યોગ્ય જણાતું નથી. અમે માંગણી કરીએ છીએ કે,આ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે તેઓએ તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ.
કોંગ્રેસે કુલપતિની નિયુક્તિ સામે પણ સવાલ ઉઠાવ્યાં
કોંગ્રેસનાં પ્રવક્તા ડો. નિદત્ત બારોટે કુલપતિની નિયુક્તિ સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, હાલના કુલપતિ ચેતન ત્રિવેદી પોતે જ પ્રોફેસર તરીકે નિયુક્ત થયા છે.તેમની નિયુક્તિ યુ.જી.સી. અને રાજ્ય સરકારના કાયદા પ્રમાણે છે કે નહીં ? તેની તપાસ માટે તપાસ સમિતિ નિમવાને બદલે નાના કર્મચારીઓને હેરાન કરવાના ભાગરૂપે તપાસ સમિતિ નિમિને મોટા માથાઓને છોડી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કુલપતિ પોતે યુ.જી.સી. પ્રમાણે કુલપતિ પદે રહેવા માટે લાયકાત ધરાવતા નથી. નીતિમત્તાની શરૂઆત કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ટોચ ઉપર બેઠેલા વ્યક્તિથી થતી હોય છે.જ્યારે અહીંયા તો ટોચ ઉપર બેઠેલ વ્યક્તિ જ નીતિમત્તા કોઈને બેઠા હોય ત્યારે યુનિવર્સિટીનું શું થાય તે નક્કી કરવું અઘરું છે.