ટેસ્ટ ટીમમાં બેટિંગ ક્રમની અસ્થિરતા, ઓલરાઉન્ડર્સ પર વધુ નિર્ભરતા અને ફિંગર સ્પિનરની અછતને કારણે ભારતીય ટીમ સતત ઘરઆંગણે ક્લીન સ્વીપની કગાર પર
ગૌતમ ગંભીરની કોચિંગ હેઠળ ભારત ઘરઆંગણે 13 મહિનામાં બીજી વખત ક્લીન સ્વીપનો શિકાર બનશે, 2024માં ન્યૂઝીલેન્ડે ભારતને 3-0થી હરાવ્યું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
ગુવાહાટી ટેસ્ટમાં ભારત હારની કગાર પર છે. સાઉથ આફ્રિકાએ કોલકાતામાં પહેલી ટેસ્ટ જીતી હતી અને હવે બીજી મેચ પણ જીતવાની નજીક છે. જો આવું થશે તો ગૌતમ ગંભીરની કોચિંગ હેઠળ ભારત ઘરઆંગણે 13 મહિનામાં બીજી વખત ક્લીન સ્વીપનો શિકાર બનશે. 2024માં ન્યૂઝીલેન્ડે ભારતને 3-0થી હરાવ્યું હતું.
ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમના અત્યંત નબળા પ્રદર્શન બાદ હેડ કોચ ગૌતમ ગંભીર પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ વાસને તો ખુલ્લેઆમ કહી દીધું કે ગંભીરને ટેસ્ટ ફોર્મેટમાંથી હટાવી દેવા જોઈએ અને ફરી રાહુલ દ્રવિડને હેડ કોચ બનાવવો જોઈએ. પૂર્વ સિલેક્ટર સબા કરીમે પણ જણાવ્યું કે ટીમ ઈન્ડિયા જાણે ટેસ્ટ રમવાનું જ ભૂલી ચૂકી છે.
- Advertisement -
ગૌતમ ગંભીરની કોચિંગ હેઠળ ભારતીય ટીમે વ્હાઇટ બોલની જેમ રેડ બોલમાં પણ ઓલરાઉન્ડર્સ પર વધુ ભાર મૂક્યો છે. પરિણામે ટીમમાં માત્ર ત્રણ-ચાર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરવાનું શરૂ થયું છે. સાઉથ આફ્રિકા સામે બંને ટેસ્ટમાં ભારતે માત્ર ત્રણ મુખ્ય બેટ્સમેનને જ રમાડ્યા હતા. બીજી ઈનિંગ્સમાં ટોચના બેટ્સમેનનું પ્રદર્શન ઠીક હોવા છતાં મધ્યમ ક્રમે મળીને માત્ર 23 રન જ બનાવ્યા હતા. રિષભ પંત અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓ ટેસ્ટ જેવી લાંબી ફોર્મેટમાં અનાવશ્યક શોટ્સ રમીને વિકેટ ફેંકી રહ્યા છે.
ગંભીરની કોચિંગમાં બેટિંગ ક્રમમાં પણ સતત પ્રયોગો ચાલી રહ્યા છે. નંબર-3ની સ્થિર જગ્યા વર્ષો સુધી દ્રવિડ અને પછી પૂજારાએ સંભાળી હતી, પરંતુ હવે દરેક મેચમાં અલગ-અલગ બેટ્સમેનને આ સ્થાન આપવામાં આવે છે. વોશિંગ્ટન સુંદર, સાઈ સુદર્શન અને કરુણ નાયર જેવા ખેલાડીઓને અહીં અજમાવવામાં આવ્યા છે, પરંતુ સ્થિરતા જોવા નથી મળતી. નંબર-5ની જગ્યાએ પણ વારંવાર ફેરફારો થતાં મધ્યમ ક્રમ નબળો બન્યો છે.
ટીમમાં અશ્વિન પછી સ્ટ્રાઇક ફિંગર સ્પિનરની પણ ભારે કમી જોવા મળી રહી છે. જાડેજા એકલા મુખ્ય બોલર તરીકે લડી રહ્યા છે. સુંદર અને અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડર્સને તક આપવામાં આવી રહી છે, પરંતુ તેમની બોલિંગ અશ્વિન જેવી અસરકારક સાબિત થઈ નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા ફિંગર સ્પિનર્સ હાજર હોવા છતાં તેમને તક નથી મળી રહી.
ઓલરાઉન્ડર્સ પર અતિરિક્ત નિર્ભરતા પણ ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. જાડેજા સિવાય કોઈપણ ઓલરાઉન્ડર સતત પ્રભાવ નહીં પાડી શક્યો હોય, છતાં તેમને પ્લેઇંગ-11માં બેટ્સમેન ઉપર પ્રાથમિકતા મળી રહી છે. નીતિશ રેડ્ડી તો ન બેટથી ના બોલથી ટીમને ફાયદો અપાવી રહ્યો છે.
ગૌતમ ગંભીરને જુલાઈ 2024માં કોચ બનાવ્યા બાદ ભારતે બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું, પરંતુ ત્યારબાદ ભારતને ઘરઆંગણે 36 વર્ષમાં પહેલી વાર ન્યૂઝીલેન્ડે 3-0થી હરાવ્યું. હવે સાઉથ આફ્રિકા સામે સિરીઝ ગુમાવવાનો ખતરો ઉભો થયો છે. સાઉથ આફ્રિકા પાસે 25 વર્ષ પછી ભારતની ધરતી પર સિરીઝ જીતવાની તક છે.



