ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.13
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલા અલગ-અલગ અનામત હેતુના પ્લોટ પર થયેલા ગેરકાયદેસર દબાણ તથા ટી.પી. રોડના એપ્રોચ પરનું અનઅધિકૃત બાંધકામ દૂર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 2833.00 ચો.મી.ની અંદાજિત 15.58 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
શહેરના વોર્ડ નં. 12માં ગુરુકૃપા મારબલ પાછળ, ગોંડલ ચોકડી પાસે, વાવડી ઔદ્યોગિક હેતુનું દબાણ, વોર્ડ નં. 11માં બાપા સીતારામ ચોક પાસે વાણિજ્ય હેતુનું દબાણ અને વોર્ડ નં. 9માં સોપાન હેબીટેટની સામે, પાટીદાર ચોક, રૈયા પાસે છાપરા હટાવવામાં આવ્યા હતા. આમ કુલ 15.58 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
- Advertisement -
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના તમામ આસિ. ટાઉન પ્લાનર, આસિ. એન્જિનિયર, એડી.આસિ. એન્જિનિયર, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજીલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.