850 મીટરના માર્ગ પર પોકેટ ગાર્ડન, ફેસ્ટિવ એરિયા અને આધુનિક પાર્કિંગ સુવિધા ઉભી કરાશે; પાલિકાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય ગણાતા રિલીફ રોડને આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિકમિત્ર બનાવવા માટે અંદાજે ₹6.68 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આશરે 850 મીટર લંબાઈ અને 22 મીટર પહોળાઈ ધરાવતા આ માર્ગને આધુનિક અર્બન ડિઝાઈન મુજબ વિકસાવી તેને હરિયાળા અને જીવંત જાહેર સ્થાન તરીકે પરિવર્તિત કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટની સૌથી અનોખી વિશેષતા એ છે કે માર્ગના મધ્યમાં 10 મીટર પહોળો મિડિયન સ્પેસ તૈયાર કરવામાં આવશે, જેમાં પોકેટ ગાર્ડન અને પાર્કિંગ સુવિધાની સાથે વિવિધ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વિશેષ ’ફેસ્ટિવ એરિયા’ વિકસાવવામાં આવશે, જે નાગરિકો માટે એક આકર્ષક મિલનસ્થળ બની રહેશે.પ્રોજેક્ટ અંતર્ગત માર્ગની બંને બાજુ વિશાળ ફૂટપાથ, પેવર બ્લોક ફ્લોરિંગ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન અને સુવ્યવસ્થિત વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ઉપરાંત, રાત્રિના સમયે રોડની શોભા વધારવા માટે ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટિંગ, આધુનિક બેઠક વ્યવસ્થા, ડસ્ટબિન અને દિશાસૂચક સાઈનેજ જેવી સુવિધાઓ ઉભી કરાશે. આ વિકાસકાર્ય પૂર્ણ થતા રિલીફ રોડ માત્ર ટ્રાફિક માટેનો માર્ગ ન રહેતા પગપાળા ચાલનારાઓ માટે સલામત અને આકર્ષક અર્બન કોરિડોર તરીકે નવી ઓળખ મેળવશે. પાલિકાની સિવિલ અને સિટી બ્યુટીફીકેશન શાખા દ્વારા આ કામગીરી વેગીલી બનાવવામાં આવી છે, જે મોરબીના આધુનિક શહેરી વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.



