કચ્છમાં 74750 હેકટરમાં ગ્રીન હાઈડ્રોજન માટે પણ સૈધ્ધાંતિક મંજુરી
ખાસ-ખબર સંવાદદાતા
બિલિયોનેર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં ન્યૂ એનર્જી ગીગા કોમ્પ્લેકસ ચાલુ કેલેન્ડર વર્ષ 2024ના બીજા છ માસિક ગાળામાં જ શરૂ કરી દેશે તેમ કંપનીએ કહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગરમાં 5000 એકરથી વધુ વિસ્તારમાં આ ગીગા કોમ્પ્લેકસનું નિર્માણ કરી રહી છે. આ કોમ્પ્લેકસમાં ફોટોવોલ્ટેઈક પેનલ, ફયૂએલ સેલ સિસ્ટમ, ગ્રીન હાઈડ્રોજન, એનર્જી સ્ટોરેજ અને પાવર ઈલેકટ્રોનિકસ માટે પાંચ ગીગા ફેકટરી સ્થપાશે.
કંપનીએ ઓકટોબર-ડિસેમ્બર કવાર્ટરના પરિણામ અંગે રોકાણકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ વર્ષે તબકકાવાર રીતે ન્યૂ એનર્જી ફેસિલિટી શરૂ કરવાની નિર્ધારીત સમય મુજબ જ આગળ વધી રહી છે’.
અગાઉ રિલાયન્સના ચેરમેન અને એમડી મુકેશ અંબાળીએ ત્રીજા કવાર્ટરના પરિણામ જાહેર કરતી વખતે કહ્યું હતું કે ‘ન્યૂ એનર્જી ગીગા કોમ્પ્લેકસ ચાલુ કેલેન્ડર વર્ષ 2024ના બીજા છ માસિક ગાળામાં શરૂ થઈ જશે. મને વિશ્વાસ છે કે રિલાયન્સનો ન્યૂ એનર્જી બિઝનેસ વિશ્ર્વમાં સ્વચ્છ ઉર્જા માટેની વૈશ્ર્વિક ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવશે’. ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેકસ વિશ્વમાં રિન્યૂએબલ એનર્જી મેન્યુફેકચરિંગની સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ ફેસિલિટી પૈકી એક હશે.
રિલાયન્સે ગુજરાત સરકાર સાથે રૂા.5 લાખ કરોડના મુડી ખર્ચ સાથે 100 ગીગાવોટ રિન્યૂએબલ પાવર ક્ષમતા સ્થાપવા માટે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તેને ગ્રીન હાઈડ્રોજન માટે કચ્છમાં 74,750 હેકટર જમીન માટે સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.
કંપનીએ વિશ્વમાં ન્યૂ એનર્જી વેલ્યૂ ચેઈનમાં મજબૂત એકસપર્ટિઝ ધરાવતા ટોચના 10 ટેકનોલોજી ઈનોવેટર્સમાં વ્યુહાત્મક રોકાણ કયુર્ં છે. નુવામાએ તેની એક નોંધમાં કહ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 5 ગીગાવોટ મોડયૂલ મેન્યુફેકચરીંગ કેપેસિટી જૂન સુધીમાં પ્રથમ તબકકામાં શરૂ કરી દેવાની તૈયારીમાં છે’. તેણે આરઈસી સોલાર મારફતે ચીનની સુઝાઉ મેકસવેલ ટેકનોલોજી સાથે સપ્લાય અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે
જે અંતર્ગત તે કંપની એચજેટી સેલ્સ (4.8 ગીગાવોટ ક્ષમતા) માટે હાઈ એફિશિયન્સી પ્રોડકશન લાઈન ખરીદશે. તેણે ચીન સ્થિત એસસી સોલર સાથે જાન્યુઆરી 2023માં 5.2 ગીગાવોટ એચજેટી ઓટોમેશન પ્રોડકશન એગ્રીમેન્ટ કર્યા છે. પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ્ઝ (પીએલઆઈ) હેઠળ સોલાર મોડયૂલ્સ પીએલઆઈના બન્ને રાઉન્ડસ માટે કંપનીને મંજૂરી મળી છે. ગ્રીન હાઈડ્રોજન અને ઈલેકટ્રોલાઈઝર્સ બન્ને માટે ઈન્સેન્ટિવ્ઝ મેળવનારી તે એક માત્ર કંપની છે.