કસૂરવારને સખત સજાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
1 મહિના પહેલા પિતા ગુમાવ્યા, હવે નાના ભાઈનું મોત નિપજતાં શિક્ષિકા બહેન નોંધારા થયા
રાજકોટ સિટી બસે સર્જેલ અકસ્માતના હતભાગીઓની સ્મશાન યાત્રા ગઈકાલે સાંજે નીકળી હતી. જેમાં સ્વજનો હૈયા ફાટ રુદન કરતા જોવા મળ્યાં હતા. અને કસૂરવારને સખ્તમાં સખ્ત સજાની માંગ કરી હતી.
ગઈકાલે સવારે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે ટ્રાફિક સિંગ્નલ પર ઉભેલા અનેક વાહનોને હડફેટે લઈ અનેક લોકોને કચડ્યા હતા. જેમાં 1. કિરણબેન ચંન્દ્રેશભાઇ કક્કડ (ઉ.વ.56, રહે.શાંતિનિકેતન સોસાયટી, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ.), 2. રાજુભાઇ મનુભાઇ ગીડા (ઉ.વ.35, રહે.સત્યમ પાર્ક શેરી નંબર 1, 80 ફૂટ રોડ, રાજકોટ), 3. સંગીતાબેન ધનરાજભાઇ ચૌધરી (ઉ.વ.40, રહે. એડોમ સલૂન, અક્ષર માર્ગ, સ્વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ) અને 4. ચિન્મય ઉર્ફે લાલો હર્ષદભાઇ ભટ્ટ (ઉ.વ.25 રહે.હાથીખાના શેરી નં.2, રાજકોટ)નું મોત નીપજ્યું હતું.
ગઈકાલે મૃતદેહોનું પીએમ થયા પછી સ્વજનોને સોંપવામાં આવેલ. જે પછી તેમના નિવાસ સ્થાનો ખાતેથી હતભાગીઓની સ્મશાન યાત્રા નીકળી હતી. મૃતકો પૈકી ચિન્મયભાઈ (લાલો) હર્ષદભાઈ ભટ્ટ (ઉં. વ. 25) પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બાંધકામ શાખામાં પ્યુન હોય, સવારે હાથીખાના સ્થિત પોતાના ઘરેથી નોકરી પર જવા સાઈન બાઈક પર નીકળ્યા હતા.
ઇન્દિરા સર્કલે અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમના બહેને ભાઈને ફોન કર્યો. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપાડી કહ્યું કે, તેનું અકસ્માત થયું છે. સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે. અત્રે આવતા ભાઈના મોતની જાણ થઈ. ચિન્મયભાઈ એક ભાઈ અને એક બહેનમાં નાના હતા. હજુ 1 મહિના પહેલા જ પિતા હર્ષદભાઈનું હાર્ટ એટેકથી મોત થયેલું.
15 દિવસ પહેલા પિતા ગુમાવ્યા અને હવે ભાઈના મૃત્યુથી પથ્થર પણ પીગળી જાય તેવું કરુણ રૂદન બહેને કરતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ તરફ સ્વજનોએ હૈયા ફાટ રુદન કર્યું હતું. આશાસ્પદ યુવાનના મોતથી શોક છવાયો હતો. મૃતક પરિવારના મહિલાઓએ કસૂરવાર ડ્રાઇવરને સખ્તમાં સખ્ત સજા થાય તેવી માંગ કરી હતી.
રાજકોટના હાર્દસમા ઇન્દિરા સર્કલ નજીક બેકાબુ બનેલી સીટી બસ હડફેટે ચાર વ્યકિતઓના મોત થતા કરૂણાંતિકા સર્જાઇ જવા પામી છે. અકસ્માતની આ ઘટનાના અન્ય ચાર વ્યકિતઓને ઇજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ સીટી બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચાર વ્યકિતઓને રૂા. 15-15 લાખ તેમજ ઇજાગ્રસ્તોને રૂા. બે-બે લાખની સહાય મ્યુનિ. કોર્પો. દ્વારા જાહેર કરવામાં આવી છે.
અકસ્માત સર્જતી સિટી બસ બંધ કરી દ્યો, મૃતકના સ્વજનનો રોષ
ચિન્મયભાઈ ભટ્ટના અંતિમ સંસ્કાર વખતે હાજર એક મહિલા સ્વજને જણાવેલ કે, સિટી બસ ડ્રાઇવર બેફામ બસો ચલાવે છે. અવાર નવાર અકસ્માત કરે છે. લોકોની જીંદગી જોખમમાં મૂકે છે. આવી સિટી બસ બંધ કરી દયો.



