અટલ સરોવર પર 6 વિમાને દિલધડક કરતબો કર્યા
હવે તા.7મીએ રાજકોટવાસીઓ માણશે એર શોની મજા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમ દ્વારા આયોજિત ભવ્ય એર શોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ આપતા આજે સૂર્યકિરણ ટીમનાં 6 વિમાનો દ્વારા અટલ સરોવર ખાતે મીની રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલધડક કરતબોની પ્રેક્ટિસ કરી હતી. જેણે આસપાસના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો અને 7 ડિસેમ્બર, રવિવારના મુખ્ય શો માટેની આતુરતા વધારી દીધી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજિત આ એર શો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલા એર શો જેવો જ ભવ્ય હશે તેવી અપેક્ષા છે. આજે થયેલા મીની રિહર્સલે સ્પષ્ટ કરી દીધું છે કે, મુખ્ય શો કેટલો અદ્ભુત હશે. 6 હોક વિમાનોએ એકસાથે ઉડાન ભરીને વિવિધ ફોર્મેશનની પ્રેક્ટિસ કરી, જેમાં તેમની ટીમ સ્પિરિટ અને પાયલટ્સની અસાધારણ કુશળતાનો પરિચય થયો હતો. આ પ્રારંભિક પ્રેક્ટિસનો હેતુ 7 ડિસેમ્બરના મુખ્ય કાર્યક્રમ માટે વાતાવરણ અને એરોબેટિક્સની ચોકસાઈ ચકાસવાનો હતો, જે સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. રિહર્સલે અટલ સરોવર અને આસપાસના વિસ્તારમાં એક તહેવાર જેવો માહોલ ઊભો કર્યો હતો.
6 ડિસેમ્બરે સૂર્યકિરણ ટીમ ફાઈનલ રિહર્સલ કરશે
- Advertisement -
આ એર શો માત્ર એક અદ્ભુત હવાઈ પ્રદર્શન નથી, પરંતુ તે દેશના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ છે. આ મુખ્ય એર શોની સફળતા માટેની અંતિમ તૈયારીઓ તરીકે 6 ડિસેમ્બરના રોજ ફાઈનલ રિહર્સલ કરવામાં આવશે. આ ફાઈનલ રિહર્સલ પણ મોટા શો જેવું જ મહત્ત્વપૂર્ણ રહેશે, જે દર્શકો માટે મુખ્ય ઇવેન્ટ પહેલા એક સારો અનુભવ સાબિત થશે. લોકો આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી ઘટનાના સાક્ષી બનવા માટે 7 ડિસેમ્બરે અટલ સરોવર ખાતે સમયસર પહોંચે અને ભારતીય વાયુસેનાના આ અદભુત પ્રદર્શનને માણે તેવી અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.
40 મિનિટ સુધી સતત હવાઇ કરતબો રજૂ થશે
મુખ્ય કાર્યક્રમમાં સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં જોવા મળશે. આ પાયલટ્સ દ્વારા 40 મિનિટ સુધી સતત હવાઈ કરતબો રજૂ કરવામાં આવશે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ વિમાનો 7 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે અટલ સરોવર ખાતે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. દર્શકોને એર શોમાં વિમાનોના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ્સની ખાસ ઝલક જોવા મળશે, જે ભારતીય વાયુસેનાની તાકાતનું પ્રતીક છે. આ દિલધડક કરતબોમાં મુખ્યત્વે ડાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, રોમાંચક લૂપ્સ, જબરજસ્ત રોલ્સ, પડકારજનક હેડ-ઓન ક્રોસ, અને અસાધારણ ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ જેવા અનેક સ્ટંટ્સનો સમાવેશ થાય છે. આ સ્ટંટ્સ પાયલટ્સની ઉચ્ચ તાલીમ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. સૌથી મોટી પ્રભાવશાળી બાબત એ છે કે, આ પાયલટ્સ તેમની અસાધારણ ચોકસાઈનું પ્રદર્શન કરવા માટે માત્ર 5 મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને તેમની શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત નિદર્શન કરશે. આટલા ઓછા અંતરે વિમાનોનું સંચાલન કરવું એ પાયલટ્સની સર્વોચ્ચ કાબેલિયત દર્શાવે છે.
ટીમે 700 કરતાં વધુ પર્ફોર્મન્સ આપ્યાં
વર્ષ 1996માં જઊંઅઝ ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે. આ ટીમે અત્યારસુધીમાં ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને ઞઅઊ જેવા દેશોમાં 700 કરતાં વધુ પર્ફોર્મન્સ આપ્યાં છે. આ ટીમ તેમના સૂત્ર “સર્વદા સર્વોત્તમ” દ્વારા માર્ગદર્શિત છે, જેનો અર્થ છે ’હંમેશાં શ્રેષ્ઠ’ જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે છે.



