ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા રિજિયોનલ માસ્ટર પ્લાનના પ્રિપરેશન માટે જિલ્લામાં રિજીયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપનું આયોજન કરાયું છે. આ વર્કશોપના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રગતિશીલ, સશક્ત, સમૃદ્ધ અને ટકાઉ ભારતનું નિર્માણ કરવા માટે વિકસીત ભારતના વિઝન-2047 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વિકાસ માટે કલેક્ટરએ જિલ્લામાં અલગ અલગ ઉદ્યોગોના પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સહિતના સ્ટેકહોલ્ડર્સના સૂચનાઓ અને મંતવ્ય લીધાં હતાં. કલેક્ટરએ આ વર્કશોપ અંતર્ગત સુચારૂ આયોજન અને વ્યવસ્થાપન માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ખાણખનીજ, પશુપાલન સહિતના વિવિધ વિભાગો પાસેથી વિભાગને લગતી આનુષાંગીક અદ્યતન વિગતો મેળવી વર્કશોપ દરમિયાન કરવાની થતી કામગીરી વિશે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, 31 મેના રોજ સાગરદર્શન ખાતે યોજાનાર વર્કશોપમાં જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લાના સરકારી સંસ્થાઓના સભ્યો, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત સ્ટેકહોલ્ડર્સના ચર્ચાસત્રના નિષ્કર્ષ થકી વિકાસની આગોતરી રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
સોમનાથ ખાતે રિજિયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ: વિવિધ ચર્ચાસત્રના નિષ્કર્ષ થકી વિકાસની રૂપરેખા તૈયાર થશે



