ખાસ-ખબર સંવાદદાતા
તા. 4 ફેબ્રુઆરીને ‘વિશ્ર્વ કેન્સર દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલને યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા વૈશ્ર્વિક સ્તર પર જાગરુકતા ફેલાવવા માટે ચાલુ કરવામાં આવ્યું છે. જેની વર્ષ 2022-2024 દરમિયાનની થીમ ‘ક્લોઝ ધ કેર ગેપ’ રાખવામાં આવી છે. આ દિવસ નિમિત્તે રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ અને રાજકોટ કેન્સર સોસાયટીના ડીવીઝન, કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટના સંયુક્ત ઉપક્રમે રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ ખાતે કેન્સર પરના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ આ જાગૃતિના કાર્યક્રમનો લાભ લીધો હતો તથા ઘણા લોકોએ વ્યસન મુક્ત થવા અને બીજાઓને પ્રેરિત કરવા પ્રતિજ્ઞા લીધી હતી. રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ ખાતે ‘લોકો દ્વારા, લોકો માટે’ થીમ હેઠળ યોજાયેલ કેન્સર પરના જાગૃતિ કાર્યક્રમમાં રાજકોટના કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના મેમ્બર્સ દ્વારા સાયન્સ સેન્ટરની મુલાકાતે આવનાર મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને કેન્સર અને તેના લક્ષણો તથા તેની સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના સ્ટાફ દ્વારા નિ:શુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓરલ મેડીકલ ચેકઅપ, બ્લડપ્રેશર, ડાયાબિટીશ માટેનો સુગર ટેસ્ટ અને હિમોગ્લોબીન ટેસ્ટ તેમજ તેને લગતી દવાઓ નિ:શુલ્કપણે આપવામાં આવી હતી.
રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્ર્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/SCIENCE-CENTER-860x645.jpeg)