રિકવરી, પડતર કેસના નિકાલ સહિતની કામગીરી નબળી હોવાની અનેક ફરિયાદો
અમદાવાદ CGSTના ચીફ કમિશનર એસ.કે. મલની સૂચનાથી એક ટીમ રાજકોટ પહોંચી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
દિવાળીના તહેવારો પૂરા થતાં જ અમદાવાદ સીજીએસટીના ચીફ કમિશનર એસ.કે. મલની સૂચનાથી એક ટીમે રાજકોટ સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી) સોમવારની સવારથી જ ઇન્સ્પેક્શન માટે ધામા નાખતા સ્થાનિક અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટ સીજીએસટીના કમિશનર વી.શિવકુમારના નેજા હેઠળ રિકવરી, પડતર કેસના નિકાલ સહિતના મુદ્દે ચાલતી કામગીરી નબળી હોવાની ફરિયાદો ઉઠતા અમદાવાદ ચીફ કમિશનરેટના અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા છે અને તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
સામાન્ય રીતે સીજીએસટીમાં ઇન્સ્પેક્શન માટે અન્ય રાજ્યમાંથી ટીમો આવતી હોય છે. ગત વર્ષે ભુવનેશ્વરથી આવેલા અધિકારીઓની ટીમે ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું અને તેમાં રાજકોટ સીજીએસટીની કામગીરી બાબતે વિવાદના વમળો ઉઠયા હતા. આ તપાસના પડઘા હજુ શમ્યા નથી ત્યાં આ વર્ષે અમદાવાદ સીજીએસટીના ચીફ કમિશનર એસ.કે.મલની ટીમે રાજકોટમાં દિવાળીના તહેવારો પૂરા થતાં જ ધામા નાખી ઇન્સ્પેક્શન શરૂ કરી દેતા સ્થાનિક અધિકારીઓ દોડતા થઇ ગયા છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટ સીજીએસટીની રૂ.1000 કરોડથી વધુની રિકવરી બાકી છે. તેમજ રાજકોટ કમિશનરેટમાં એજ્યુડિરિક્શન સેક્શનમાં 300થી વધુ કેસ પેન્ડિંગ છે. જે સંખ્યા અન્ય કમિશનરેટ કરતા ઘણી વધારે હોય ઇન્સ્પેક્શન માટે આવેલી ટીમ આ મુદ્દે ખાસ તપાસ કરે તેવી પૂરતી શક્યતા છે. આ વિભાગમાં અગાઉ ત્રણ સુપરિન્ટેન્ડન્ટ હતા, પરંતુ કેસનો ભરાવો ધ્યાને લઇ કેસની પેન્ડન્સી ઘટાડવા વધુ એક સુપરિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવી છે. આમ છતાં કેસનો ભરાવો ઓછો થતો ન હોય તે મુદ્દે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
એડિશનલ કમિશનર અને ચીફ કમિશનર તપાસમાં આવે તેવી શક્યતા
રાજકોટ ઇન્સ્પેક્શનમાં આવેલા અધિકારીઓને માર્ગદર્શન આપવા માટે એડિશનલ કમિશનર સચિન ગુસિયા આજે અને ચીફ કમિશનર સી.કે.મલ સંભવત: શુક્રવાર સુધીમાં રાજકોટ આવે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે આ ઇન્સ્પેક્શનમાં કો-ઓર્ડિનેશન માટે રાજકોટ કચેરી દ્વારા
વર્ગીસ મથાઇની નિમણૂક કરાઇ છે.
- Advertisement -



