ગુજરાતમાં 11721 કરોડનું જીએસટી કલેકશન: દેશમાં 20 એપ્રિલે એક જ દિવસમાં 68228 કરોડનું જીએસટી કલેકશન
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં જીએસટી લાગુ થયાના છ વર્ષ બાદ 1.87 લાખ કરોડનું માસીક કલેકશન થયુ છે.તેમાંથી ગુજરાતનું કલેકશન 11000 કરોડને પાર થયુ હતું. રસપ્રદ વાત એ છે કે 20 મી એપ્રિલે એક જ દિવસની 68228 કરોડની વસુલાતનો પણ રેકોર્ડ સર્જાયો હતો. ભારતમાં એપ્રિલ મહિનાનું જીએસટી કલેકશન રેકોર્ડબ્રેક 1.87 લાખ કરોડનુ થયુ હતું. આ મહિનાના કલેકશનમાં 20 એપ્રિલે પણ અસામાન્ય વિક્રમ સર્જાયો હતો.આ એક જ દિવસનાં દેશમાં 68228 કરોડનું કલેકશન થયુ હતુ. 20 એપ્રિલ 2022 માં 9.6 લાખ વ્યવહારોમાં 57846 કરોડનું કલેકશન નોંધાયુ હતું. કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ટેકસ ચોરીની છટકબારીઓ બંધ કરીને વસુલાત વધારવાના સરકારી પ્રયાસોનું આ પરિણામ છે.
ચાલુ નાણાંકીય વર્ષમાં વાર્ષિક કલેકશન 20 લાખ કરોડથી વધુ થઈ શકે છે.કોરોનાકાળ બાદ ભારતીય વેપાર ઉદ્યોગ-અર્થ વ્યવસ્થા છલાંગ લગાવી રહી છે. તેની આ આંકડા સાબીતીરૂપ છે. નિષ્ણાંતોએ એમ પણ કહ્યું કે ભારત તંદુરસ્ત આર્થિક વિકાસ કરી રહ્યાના સંકેત ઉઠી રહ્યા છે.સરકાર ખર્ચ તથા ખાનગી મૂડી ખર્ચમાં વૃદ્ધિ, રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી તથા રોકાણમાં વધારાને પ્રોત્સાહન આપવાની સરકારી નીતિથી ડીમાંડ મજબુત બની રહેવાનો આશાવાદ છે.વૈશ્વીક સ્તરે આર્થિક સંકટના ભણકારા સ્લોડાઉન છતા ભારતીય અર્થ વ્યવસ્થાને કોઈ મોટી અસર નહીં થવાનું વૈશ્વીક સંસ્થાઓ પણ માની રહી છે. વિશ્ર્વ બેંકનાં ડાયરેકટરે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે ભારત સૌથી ઝડપી વિકાસદર રહેવાનું અનુમાન દર્શાવ્યુ હતું.એશીયન ડેવલપમેન્ટ બેંકે પણ એવો રિપોર્ટ આપ્યો હતો કે દુનિયામાં આર્થિક મંદી છતાં ભારતનો વિકાસદર અન્ય દેશો કરતા મજબુત રહેશે.