-વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્ર જર્મની બાદ યુરોપના વધુ દેશોના આર્થિક વિકાસને બ્રેક
વિશ્વ પર છવાઈ રહેતા મંદીના વાદળો વચ્ચે યુરોપ ઝોનના સૌથી મોટા અને વિશ્વના ચોથા નંબરના અર્થતંત્ર ગણાતા જર્મનીમાં સતત બે કવાટર વિકાસ દર નેગેટીવ ઝોનમાં જતા હવે આ દેશ મંદીમાં પ્રવેશી ગયો હોવાનું જાહેર થયું છે અને હવે યુરોપના બાકીના દેશોના યુરોઝોનમાં પણ અર્થતંત્ર 0.1% ઘટતા જ આ દેશોમાં ચિંતા વધી ગઈ છે. રશિયાના યુક્રેન પરના આક્રમણ ગઈકાલે યુરોપમાં ઈંધણ સહિતના ભાવમાં વધારો થતા ફુગાવો પણ ખૂબજ ઉંચો ગયો છે અને તે સ્થિતિમાં આર્થિક ગતિવિધિ પણ ધીમી પડતા અર્થતંત્ર પર બેવડી અસર થઈ છે.
- Advertisement -
યુરોઝોન તરીકે ઓળખાતા અર્થતંત્રમાં 0.1%નો ઘટાડો
યુરોઝોનના 20 દેશોનું અર્થતંત્ર આ રીતે ખરાબ રીતે પ્રભાવિત થવા લાગ્યું છે. જો કે યુરોપના દેશોએ મંદી સામે હથિયાર હેઠળ મુકવાને બદલે હવે મંદી સામે પોલીસી સપોર્ટ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. યુરોઝોનમાં જાન્યુઆરી-માર્ચના સમયગાળામાં સરકારી અને હાઉસહોલ બન્ને ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. જર્મનીના નેગેટીવ-આઉટલુક બાદ યુરોઝોનના બીજા દેશો ગ્રીસ તથા આર્યલેન્ડમાં પણ જીડીપીમાં ઘટાડો થયો છે અને ઈસ્ટોનીયા 2021ના અંત બાદ તેના ઈકોનોમીમાં વૃદ્ધિ સર્જી શકયું નથી તો યુરોઝોનના ત્રણ દેશો લીથુનિયા, માલ્ટા અને નેધરલેન્ડમાં પણ 2023ના પ્રથમ કવાર્ટરમાં વિકાસદર ઘટયો છે. યુરોપના આ 20 દેશોની મંદીની અસર ભારતમાં પણ થવા લાગી છે અને યુરોઝોન ભારતની પરંપરાગત નિકાસને બ્રેક લાગી છે.
જેના કારણે ભારતમાં પણ રોજગાર પર અસર થશે. ખાસ કરીને ઉતરપ્રદેશમાં જે રીતે વારાણસીના કાલીન નિકાસના ઓર્ડર 50% ઘટી ગયા છે. દર વર્ષે રૂા.1200 કરોડના ઓર્ડર એકલા યુરોપમાંથી મળતા હતા તે હવે સાવ તળીયે પહોંચ્યા છે. મેરઠમાં હેન્ડલુમ તથા ખેલકુદના સામાનનો કારોબાર 25-30% ઘટી ગયો છે. કાનપુરમાં ચામડાના ઉત્પાદનની માંગ 25% ઘટી છે. આગ્રામાં સ્ટોન હેન્ડીક્રાફટમાં 30% ઓર્ડર ઘટાડો થયો છે અને હવે યુરોપમાંથી ખાસ કરીને ભારતના શિયાળા સમયમાં ઓકટો-ફેબ્રુઆરીની જે ટુરીસ્ટ સીઝન છે તેને પણ અસર થશે.