સીરિયામાં જે પણ સરકાર બનશે તેમાં મહિલાઓને સમાન અધિકાર મળશે
ખાસ-ખબર ન્યૂઝ સીરિયા
સીરિયાના હયાત તહરિર અલ શામ (HTS)ના બળવાખોરો, જેમણે રાષ્ટ્રપતિ બશર અસદને હટાવ્યા હતા, તેણે જણાવ્યું હતું કે તેઓ મહિલાઓ પર કોઈ ધાર્મિક ડ્રેસ કોડ લાદશે નહીં. તેમણે સીરિયામાં તમામ સમુદાયોના લોકો માટે વ્યક્તિગત સ્વતંત્રતાની બાંયધરી આપવાની પણ પ્રતિજ્ઞા લીધી છે. વિદ્રોહી જૂથના જનરલ કમાન્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓના પહેરવેશમાં કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં. રાજધાની દમાસ્કસ પર કબજો કર્યા પછી, અબુ મોહમ્મદ અલ જુલાનીના નેતૃત્વમાં HTS બળવાખોરો સંગઠનની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જુલાની, જે એક સમયે અલ કાયદાનો સભ્ય હતો, તે હવે સમગ્ર વિશ્ર્વમાં પોતાને એક સુધારાવાદી તરીકે રજૂ કરી રહ્યો છે. બીજી તરફ બ્રિટને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ઇંઝજને આતંકવાદી સંગઠનની યાદીમાંથી હટાવવા અંગે નિર્ણય લેશે. બ્રિટિશ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સંભાળતા પેટ મેકફેડને જણાવ્યું હતું કે સરકાર ઇંઝજને બ્લેકલિસ્ટમાંથી દૂર કરવા પર વિચાર કરી રહી છે.
- Advertisement -
વિદ્રોહીઓ દ્વારા સીરિયા પર કબજો કર્યા પછી, રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. રોયટર્સના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. જ્યારે અમેરિકાએ સીરિયામાં અસદ સરકારના પતનનું સ્વાગત કર્યું છે. રશિયાના પ્રેસિડેન્શિયલ પેલેસના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે માહિતી આપી છે કે સીરિયાના રાષ્ટ્રપતિને આશ્રય આપવો એ પુતિનનો વ્યક્તિગત નિર્ણય હતો. પેસ્કોવે કહ્યું કે તેઓ અસદને ક્યાં રાખવામાં આવ્યા છે તેની માહિતી આપશે નહીં. આ દરમિયાન ન્યૂઝ એજન્સી રોયટર્સે દાવો કર્યો છે કે બળવાખોરોએ તુર્કીને છ મહિના પહેલા જ જાણ કરી દીધી હતી કે તેઓ અસદ સરકારને ઉથલાવવાના છે.