મધ્ય-પૂર્વ ફરી એક વખત વૈશ્વિક રાજનીતિના કેન્દ્રસ્થાને આવી ગયું છે. છેલ્લા થોડા મહિનાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકા ઈરાનને પરમાણુ શક્તિ બનતા અટકાવવા માટે કટિબદ્ધ છે. તો સામે ઈરાન પણ લડી લેવાના મૂડમાં છે. અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદમાં ઈઝરાયલની પણ ભૂમિકા છે કારણ કે, ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવે તો સૌથી વધુ ખતરો ઈઝરાયલ માટે પેદા થાય એમ છે. પ્રાદેશિક અસ્થિરતાના માહોલમાં એક પ્રશ્ન વારંવાર ઉઠે છે કે, ‘અમેરિકા ઈઝરાયલ પર આટલો મજબૂત વિશ્વાસ કેમ રાખે છે?’ ચાલો જાણીએ કે, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેની મજબૂત મૈત્રી પાછળના ઐતિહાસિક, વ્યૂહાત્મક અને આર્થિક કારણો શું છે.
સહાનુભૂતિથી વ્યૂહાત્મક ભાગીદારી સુધી ફેલાયેલા મિત્રતાના મૂળિયા
- Advertisement -
મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ અમેરિકાનો વ્યૂહાત્મક સાથી છે. જેથી સૌથી પહેલા તે બંને વચ્ચેના સહકારની તવારીખ જાણવી જરૂરી છે. ચાલો જોઈએ.
1948માં ઈઝરાયલની સ્થાપના થઈ ત્યારે અમેરિકા પહેલો દેશ હતો જેણે તેને માન્યતા આપી હતી. અમેરિકાના તત્કાલીન પ્રમુખ હેરી ટ્રુમનએ ઈઝરાયલની સ્વતંત્રતાની ઘોષણા થયા પછી માત્ર 11 મિનિટમાં તેને સમર્થન આપી દીધું હતું, જેની પાછળ અન્ય કારણો સાથે એવો માનવતાવાદી વિચાર પણ આ હતો કે, સામૂહિક નરસંહારના દુઃખદ અનુભવ પછી યહૂદી સમુદાયને સુરક્ષિત વતન મળવું જોઈએ.
અમેરિકા-રશિયાના શીત યુદ્ધ વખતે આ સંબંધને વ્યૂહાત્મક લાભ મળ્યો. અમેરિકા ઈઝરાયલને સોવિયેત પ્રભાવ સામે વિશ્વસનીય સાથી તરીકે જોવા લાગ્યું. 1967માં ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે છ દિવસનું યુદ્ધ (Six-Day War) થયું, ત્યારે અમેરિકાએ પહેલી વાર ઈઝરાયલને લશ્કરી સહાય આપી, જેને લીધે બંને દેશના સંબંધ વધુ મજબૂત થયા.
- Advertisement -
1973માં ઇજિપ્ત અને સીરિયાએ ઇઝરાયલ પર અચાનક હુમલો કર્યો, ત્યારે પણ અમેરિકાએ ઈઝરાયલને લશ્કરી મદદ કરી.
1987માં રોનાલ્ડ રેગનના કાર્યકાળમાં અમેરિકાએ ઈઝરાયલને મુખ્ય નોન-નાટો સાથી તરીકે માન્યતા આપી.
1990ના દાયકાથી બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જેવા પ્રમુખોએ ઈઝરાયલ સાથેની મિત્રતાને વધુ ગાઢ બનાવી, જેમાં ઓસ્લો કરાર અને આરબ-ઈઝરાયલ શાંતિ પ્રક્રિયા સામેલ હતી.
ઈઝરાયલ મધ્ય-પૂર્વમાં અમેરિકાની ચોકી છે
ખનીજ તેલ અને ગેસના વિશાળ ભંડાર તથા સમુદ્રી વેપાર માર્ગોને કારણે મધ્ય-પૂર્વ વૈશ્વિક શક્તિઓ માટે શરૂઆતથી જ અગત્યનો વિસ્તાર રહ્યો છે. આ વિસ્તારમાં ઈઝરાયલ, અમેરિકાની વ્યૂહાત્મક ચોકી ગણાય છે. આતંકવાદ વિરોધી ગુપ્ત માહિતી મેળવવામાં, મધ્ય-પૂર્વના આતંકી જૂથોના પ્રભાવને કાબૂમાં રાખવામાં ઈઝરાયલ અમેરિકાની મદદ કરે છે. ઈઝરાયલે ઈરાક અને સીરિયાના પરમાણુ કાર્યક્રમોને અટકાવ્યા છે. સામે પક્ષે અમેરિકા ઈઝરાયલને એટલી હદે ટેક્નોલોજિકલ અને લશ્કરી સહાય પૂરી પાડે છે કે, ચારે તરફથી મુસ્લિમ રાષ્ટ્રોથી ઘેરાયેલું ઈઝરાયલ તેના પડોશી દેશો કરતાં વધુ શક્તિશાળી રહે. આમ, અમેરિકા-ઈઝરાયલની મિત્રતા બંને દેશો માટે ‘વિન-વિન’ સિચ્યુએશન ઊભી કરે છે.
ઈરાન કઈ રીતે અમેરિકા-ઈઝરાયલને અસર કરે છે?
ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અમેરિકા અને ઈઝરાયલ બંને માટે ચિંતાનો વિષય છે. ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય એ ઈઝરાયલના અસ્તિત્વ માટે ખતરો છે, જ્યારે અમેરિકાનું તો લક્ષ્ય જ છે કે દુનિયાનો કોઈ નવો દેશ હવે પરમાણુ શક્તિ ના બને. આમ, ઈરાન મુદ્દે બંનેની ચિંતાનું કારણ એક જ હોવાથી બંને દેશ આ મુદ્દે સહિયારા એક્શન લે છે.
લશ્કરી સહયોગ: સુરક્ષા સહકારનો મજબૂત આધાર
અમેરિકા ઈઝરાયલને દર વર્ષે અબજો ડોલરની સૈન્ય સહાય આપે છે. મિસાઇલ રક્ષણ પ્રણાલીઓ, આધુનિક લડાકુ વિમાનો, સંયુક્ત સૈન્ય કવાયત અને સંશોધન સહયોગ— આ બધું બંને દેશને સુરક્ષા ક્ષેત્રે નજીક લાવે છે. આ સહયોગ એકતરફી નથી. ઈઝરાયલની મિસાઇલ ડિફેન્સ, ડ્રોન, સાયબર સુરક્ષા અને ઇન્ટેલિજન્સ ક્ષમતા અમેરિકાને પણ વ્યૂહાત્મક લાભ આપે છે.
અમેરિકાના રાજકારણમાં ઈઝરાયલની ભૂમિકા
ઈઝરાયલ અમેરિકન રાજકારણમાં મજબૂત પ્રભાવ ધરાવે છે. અમેરિકન ઈઝરાયલ પબ્લિક અફેર્સ કમિટી (AIPAC) જેવી સંસ્થાઓ કોંગ્રેસમાં પ્રભાવશાળી છે. અમેરિકામાં મોટી યહૂદી વસ્તી છે અને ખ્રિસ્તી ઇવેન્જેલિકલ જૂથો ઈઝરાયલને સમર્થન આપે છે. આ જૂથો ચૂંટણીમાં મબલક ભંડોળ આપે છે. પ્રમુખો આ મતબેંકને નારાજ કરવા માંગતા નથી, તેથી ઈઝરાયલને સમર્થન આપે છે. ઉદાહરણ તરીકે, ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને રાજધાની તરીકે માન્યતા આપી અને ગોલાન હાઇટ્સ પર ઈઝરાયલના અધિકારને સ્વીકાર્યો.
ધાર્મિક અને સાંસ્કૃતિક પરિબળો પણ મહત્ત્વના
અમેરિકાના ઘણાં ખ્રિસ્તી સમુદાયો ઈઝરાયલને ધાર્મિક રીતે પવિત્ર ભૂમિ (ઈસુની ભૂમિ) તરીકે જુએ છે. તેઓ યહૂદીઓને તેમના વતનમાં સ્થાયી કરવાને પોતાનું કર્તવ્ય માને છે. યહૂદી સમુદાય સાથેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પણ આ જોડાણને મજબૂત બનાવે છે. રાજકારણ સિવાયની વાત કરીએ, તો આ સંબંધ માનસિક અને ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલો છે.
લોકશાહી મૂલ્યો અને વૈચારિક સમાનતાનું પાસું
અમેરિકા પોતાને લોકશાહીનો રક્ષક માને છે. મધ્ય-પૂર્વમાં મોટા ભાગના દેશો રાજાશાહી અથવા સરમુખત્યારશાહીને અનુસરે છે, પરંતુ ઈઝરાયલ પશ્ચિમી શૈલીની લોકશાહી ધરાવે છે. ઈઝરાયલની શાસન વ્યવસ્થા, ચૂંટણી વ્યવસ્થા અને વ્યક્તિગત સ્વતંત્રતાના મૂલ્યોને લીધે અમેરિકાને ઈઝરાયલ સમાન વિચારધારા ધરાવતો દેશ લાગે છે. આમ, લોકશાહી મૂલ્યો અને વૈચારિક સમાનતા પણ બંને દેશોના રાજદ્વારી સંબંધોને નૈતિક આધાર આપે છે.
ટેકનિકલ અને આર્થિક ભાગીદારીનું મહત્ત્વ
ઈઝરાયલને ‘સ્ટાર્ટ-અપ નેશન’ કહેવાય છે, કારણ કે નાનો દેશ હોવા છતાં ત્યાં હજારો સ્ટાર્ટ-અપ્સ જોવા મળે છે, ટેક કંપનીઓનું પ્રમાણ ઊંચું છે, તેલ અવિવ શહેર તો ટેક હબ તરીકે ઓળખાય છે. ઈઝરાયલ અને અમેરિકા સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી અને સંરક્ષણ સંશોધનમાં સહયોગ કરે છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી અમેરિકન કંપનીઓ ઈઝરાયલમાં સંશોધન કેન્દ્રો ધરાવે છે. 2024માં બંને વચ્ચે $55 બિલિયનનો વેપાર થયો હતો, જેણે અમેરિકામાં 2,55,000 નોકરી પેદા કરી હતી. ટેકનોલોજિકલ સહયોગ અને દ્વિપક્ષીય વેપાર બંને દેશના અર્થતંત્રને લાભ આપે છે.
અમેરિકા ઈઝરાયલને આંધળું સમર્થન આપે છે?
ના, અમેરિકા હંમેશાં ઈઝરાયલની દરેક નીતિને સમર્થન આપતું નથી. વેસ્ટ બેન્કમાં વસાહતોના વિસ્તરણનો મુદ્દો હોય કે ગાઝા સંઘર્ષ, અમેરિકાએ ઈઝરાયલના મંતવ્ય સામે અસહમતિ વ્યક્ત કરી છે. ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના ફક્ત 32% લોકો ઈઝરાયલના હુમલાને સમર્થન આપે છે.
અમેરિકા ઈરાન સાથે યુદ્ધ કરવા માંગે છે?
તાજેતરના મહિનાઓમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે પ્રોક્સી અથડામણ વધી ગઈ છે. અમેરિકા ઈઝરાયલની સાથે ઊભું છે, પરંતુ યુદ્ધ ટાળવા માંગે છે. જો ઈરાનનો પરમાણુ કાર્યક્રમ આગળ વધે તો અમેરિકાની ભૂમિકા વધુ સક્રિય બની શકે છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો તો અન્ય દેશો પણ એમાં જોડાય અને યુદ્ધ વ્યાપક સ્વરૂપ ધારણ કરે તથા દુનિયાભરમાં તેલના ભાવ વધી જાય એવા જોખમો છે.




