વિદ્યાર્થીઓ અને વાલીઓએ ક્રિષ્ના સ્કૂલના સંચાલકથી ચેતવું જરૂરી: રોહિતસિંહ રાજપૂત
મહેન્દ્ર ગજેરા વિરૂદ્ધ FIR નોંધાયા બાદ વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની પ્રતિક્રિયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ક્રિષ્ના સ્કૂલના સંચાલક અને સરદારધામના ટ્રસ્ટી મહેન્દ્ર ગજેરા ઉપર અમદાવાદના બોપલમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરાએ બોપલના ખેડૂત પાસેથી જમીન ખરીદી બાદમાં કેન્સલ કરી ખેડૂત પાસે ડબલ પૈસા પરત માંગી ટોર્ચર ચાલુ કર્યું હતું. પરિણામે ખેડૂત મહેશજી ઠાકોરે મહેન્દ્ર ગજેરા સહિત 8 શખ્સો સામે ત્રણ ટકાના વ્યાજે 4.10 કરોડ આપીને તેની સામે 9.68 કરોડ વસૂલવા તેમજ જમીનના દસ્તાવેજ કરાવી જમીન પડાવી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે હવે વિદ્યાર્થીની નેતા રોહિતસિંહ રાજપૂતે પોતાની પ્રતિક્રિયા આપી છે.
સામાન્ય રીતે વિદ્યાર્થીઓના વાલીઓ જે-તે સ્કૂલના શિક્ષણની ગુણવત્તા-સુવિધા તેમજ સંચાલકની વૃત્તિ-પ્રવૃર્તીને ધ્યાને રાખી પ્રવેશ મેળવતા હોય છે. જો કોઈ સ્કૂલના સંચાલક કે કર્મચારી વ્યાજંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવાઈ તો દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચેતવું જરૂરી બની જાય છે. જે સ્કૂલના સંચાલક ગેરકાનૂની કામકાજ કરતા હોય તે સ્કૂલના વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કેમ કરી શકશે? હાલ ક્રિષ્ના સ્કૂલના સંચાલક ઠગાઈ અને વ્યાજખોરીના ગુનામાં ફરાર છે. હવે જો આગળ જતાં તેઓ જેલમાં જશે તો શાળાના સંચાલન અને શૈક્ષણિક વ્યવસ્થાપનનું શું? અલબત્ત પોતાના ટ્રસ્ટી પર નોંધાયેલી ફરિયાદ મામલે સરદારધામનું મૌન પણ અનેક સવાલો ઉભા અકળાવનારું છે.
વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવવ્યું હતું કે, વર્તમાન સમયના વાલીઓ ઘણા શિક્ષિત અને જાગૃત છે તેથી તેમણે ગુનાખોરી આચરતા શાળાના સંચાલકોથી ચેતવું જરૂરી બની જાય છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વિદ્યાર્થીઓની ફી વ્યાજે ફેરવતા ક્રિષ્ના સ્કૂલના સંચાલક મહેન્દ્ર ગજેરા બાળકોને શિક્ષણ અને સંસ્કારોના પાઠ ન ભણાવી શકે. જિલ્લા શિક્ષણ તંત્રએ આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓના અન્ય ટ્રસ્ટીઓ પાસે જવાબ માંગીને ગુનાખોરી આચરતા ટ્રસ્ટીને ટ્રસ્ટી મંડળમાંથી હાંકી કાઢવાના પગલા લેવા જોઈએ. આ મુદ્દે ખાનગી શાળા સંચાલક મંડળે પણ ખુલાસો કરી ઘટતું કરવું જોઈએ જેથી ક્રિષ્ના સ્કૂલનું સંચાલન ન કથળે અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ચાલું શૈક્ષણિક વર્ષ ન ભગડે એવું રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.