બચત ઘટી પણ રોકાણ વધ્યું: મોંઘવારીના માર વચ્ચે મધ્યમવર્ગનું ‘વહીખાતું’
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં મોંઘવારી સાથે વ્યાજ દર સતત વધવાની અસર મધ્યમ વર્ગ પર પણ પડી રહી છે. રૂ. 60 હજારથી ઓછો માસિક પગાર ધરાવનારાના ખર્ચ વધ્યા છે. બીજી તરફ, ઈએમઆઈનો બોજ પણ વધ્યો છે. આમ છતાં આ વર્ગ હોમ અને વ્હિકલ લોન લેવામાં સૌથી આગળ છે. દેશમાં તમામ પ્રકારની લોનની ઈએમઆઈમાં 34% હિસ્સો આ વર્ગનો છે, જ્યારે સંભવિત જોખમ ધરાવતી ઈએમઆઈમાં આ વર્ગનો હિસ્સો વધીને 40% થઈ ગયો છે. તેથી આર્થિક સ્થિતિના વિશ્લેષણ માટે રૂ. 60 હજાર સુધીના પગારદારોનું મહત્ત્વ વધી જાય છે.
- Advertisement -
આ વાત આરબીઆઈના વાર્ષિક ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં સામે આવી છે. તેમાં આરબીઆઈએ લોકોની આવકની તુલનામાં માસિક ખર્ચ અને તેના આધારે ભવિષ્યમાં તેમની ઈએમઆઈ ચૂકવવાની ક્ષમતાનું આકલન કર્યું છે. કોરોના પહેલા ભારતીયોના બેન્કોમાં રૂ. 12.19 લાખ કરોડ જમા હતા. આ આંકડો હવે રૂ. 6.95 લાખ કરોડ છે. બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 64 હજાર કરોડ હતા, જે હવે રૂ. 1.60 લાખ કરોડ થઈ ગયા છે. તેમાં પણ 95% હિસ્સો મધ્યમ વર્ગનો છે. એટલે કે બચત ઘટીને અડધી અને રોકાણ વધીને અઢી ગણું વધ્યું છે.
નાના પગારદારને જબરદસ્ત બોજ, આવકનો 80% હિસ્સો ઊખઈંમાં જાય છે
આરબીઆઈના મતે રૂ. 60 હજારથી 85 હજાર સુધીની આવક ધરાવનારાની જોખમી ઈએમઆઈ ઘટી છે. આ વર્ગમાં ફક્ત 6.4% લોકોને ઈએમઆઈના જોખમની આશંકા છે. આ એ વર્ગ છે, જે આવકની તુલનામાં 60% સુધી ઈએમઆઈ ચૂકવે છે. આશ્ચર્યની વાત એ છે કે, 10% વર્ગ એવો પણ છે, જે જાહેર કરેલી આવકના 80% ઈએમઆઈ ભરે છે. યુકો બેન્કના પૂર્વ કાર્યકારી નિર્દેશક અજય વ્યાસ કહે છે કે કોરોના પછી મધ્યમ વર્ગે બેન્કોમાં જમા પૈસા કાઢીને શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા, સારું રિટર્ન મળ્યું. તે પૈસાથી બજારમાં ખરીદી કરી. અગાઉ તેઓ બચત બેન્કમાં રાખતા પણ હવે રોકાણો વધ્યા છે.