રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સર્વસંમતિથી રેપો રેટમાં 25 bpsનો ઘટાડો કરવા માટે મત આપ્યો અને ‘તટસ્થ’ વલણ સાથે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં આજે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. MPC ના તમામ સભ્યોની સર્વસંમતિથી વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા સાથે, રેપો રેટ હવે ઘટીને 5.25 ટકા પર આવી ગયો છે. આ પગલું સ્પષ્ટ સંકેત આપે છે કે RBI હાલમાં મોંઘવારીના નિયંત્રણ કરતાં આર્થિક વૃદ્ધિ (Growth) ને ટેકો આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈની મોનિટરી પોલિસીની બેઠક 3 ડિસેમ્બરે શરૂ થઇ હતી અને આજે 5 ડિસેમ્બરે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી.
- Advertisement -
EMI ઘટવાની આશા, બોન્ડ માર્કેટને સપોર્ટ
RBI દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થવાથી ગ્રાહકોને બે મોરચે રાહત મળવાની શક્યતા છે.
EMI માં ઘટાડો: રેપો રેટ ઘટવાથી બેંકોને RBI પાસેથી સસ્તા દરે લોન મળશે, જેનો ફાયદો ગ્રાહકોને હોમ લોન, કાર લોન અને અન્ય લોનના EMI માં ઘટાડો થવાના રૂપમાં મળી શકે છે.
- Advertisement -
બોન્ડ માર્કેટમાં સપોર્ટ: વ્યાજ દરોમાં ઘટાડો બજાર અને બેંકિંગ સેક્ટર માટે મોટો સકારાત્મક સંકેત માનવામાં આવે છે, જે બજારમાં તરલતા (Liquidity) વધારશે.
RBI એ GDP ગ્રોથના અનુમાનમાં વધારો કર્યો
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ તેની તાજેતરની મોનેટરી પોલિસીની જાહેરાત દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા માટે GDP ગ્રોથના અનુમાનમાં વધારો કર્યો છે. RBI હવે માને છે કે નાણાકીય વર્ષ 2026 (FY26) માં દેશની અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે અગાઉના 6.8 ટકાના અંદાજ કરતાં ઘણો વધારે છે. આ વધારો સંકેત આપે છે કે RBI ને આશા છે કે ભારતીય અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ ઝડપ પકડી શકે છે.
| સમયગાળો | નવો અનુમાન | જૂનો અનુમાન |
| નાણાકીય વર્ષ 2026 (FY26) | 7.30% | 6.80% |
| Q3 FY26 | 7.00% | 6.40% |
| Q4 FY26 | 6.50% | 6.20% |
| Q1 FY27 | 6.70% | 6.40% |
| Q2 FY27 | 6.80% | કોઈ અનુમાન નહોતો |
RBI એ CPI અનુમાન ઘટાડ્યું: નાણાકીય વર્ષ 2026 માં ફુગાવાનો અંદાજ હવે માત્ર 2%
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ તેની નવી નાણાકીય નીતિની જાહેરાતમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવાના અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે. તાજેતરના આંકડાઓ મુજબ, નાણાકીય વર્ષ 2026 (FY26) માટે સરેરાશ CPI હવે માત્ર 2 ટકા રહેવાની અપેક્ષા છે, જ્યારે અગાઉ RBI આ આંકડો 2.6 ટકા માનીને ચાલતું હતું. ફુગાવાના અનુમાનમાં આ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે કે મોંઘવારી પરનું દબાણ ઘણું ઓછું થતું દેખાઈ રહ્યું છે, અને આ જ કારણ છે કે RBI નો અભિગમ હવે વધુ આત્મવિશ્વાસપૂર્ણ જણાય છે.
| સમયગાળો | નવો અનુમાન | જૂનો અનુમાન |
| નાણાકીય વર્ષ 2026 (FY26) | 2.00% | 2.60% |
| Q3 FY26 | 0.60% | 1.80% |
| Q4 FY26 | 2.90% | 4.00% |
| Q1 FY27 | 3.90% | 4.50% |
| Q2 FY27 | 4.00% | કોઈ અનુમાન નહોતો |
CPI ઘટાડા પાછળના કારણો
RBI નું કહેવું છે કે તાજેતરના મહિનાઓમાં ફુગાવો ઝડપથી નીચે આવ્યો છે અને સપ્લાય-સાઇડની સ્થિતિ પણ સુધરી રહી છે. આનાથી આગામી સમયમાં CPI સ્થિર રહેવાની અપેક્ષા છે. જોકે, RBI એ સ્પષ્ટતા કરી છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને કોમોડિટીના ભાવો હજી પણ જોખમ બની રહેલા છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે.
₹1 લાખ કરોડના સરકારી બોન્ડની ખરીદી
વ્યાજ દરોમાં ઘટાડા સાથે, RBI એ બજારમાં લિક્વિડિટી (તરલતા) મેનેજમેન્ટ માટે એક મોટી જાહેરાત પણ કરી છે. RBI ડિસેમ્બર મહિનામાં ₹1 લાખ કરોડના સરકારી બોન્ડ ખરીદશે. આ ખરીદી OMO (ઓપન માર્કેટ ઓપરેશન) દ્વારા કરવામાં આવશે. આનાથી બજારમાં વધારાની લિક્વિડિટી (નાણાંનો પ્રવાહ) આવશે અને બોન્ડ યીલ્ડ પર પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે. એક તરફ સામાન્ય માણસના EMI ઓછા થવાની આશા મજબૂત કરી છે, અને બીજી તરફ સરકારી બોન્ડની ખરીદી દ્વારા નાણાં બજારમાં મોટી તરલતાની તૈયારી દર્શાવી છે.
2025માં કેટલીવાર વધ-ઘટ થઇ રેપો રેટમાં
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ અગાઉ પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. જોકે અગાઉ 2025ના આ ચાલુ વર્ષમાં 3 વખત રેપો રેટમાં ઘટાડો કરાયો હતો. હાલમાં ચાલુ વર્ષે રેપો રેટ 6.25% થી ઘટીને 5.50% સુધી આવી ચૂક્યો હતો. જે આજના ઘટાડા સાથે 5.25% પર પહોંચી ગયો છે.
રેપો રેટ એટલે શું?
રેપો રેટ એટલે કે જેના પર દેશની સેન્ટ્રલ બેન્ક અન્ય બેન્કોને લોન આપે છે અને પછી એના આધારે બેન્ક ગ્રાહકોને લોન આપે છે. એવામાં જો રેપો રેટમાં ઘટાડો થાય તો તેની સીધી અસર લોન પર થાય છે. ફ્લોટિંગ રેપો લિંક બેઝ્ડ લોન પર રેપો રેટમાં ઘટાડા સાથે જ તમારી હોમ લોન, કાર લોન વગેરેમાં ઈએમઆઈમાં કે પછી લોન મુદ્દતમાં ઘટાડો થઈ શકે છે.




