RBI એ સંકેત આપ્યો છે કે, ફુગાવાને લઈને ઘણી અનિશ્ચિતતા, જો સેન્ટ્રલ બેંક વધુ એક કડક પગલું ભરશે તો લોનની EMI ફરી વધી જશે
ફરી એકવાર મોંઘવારી વધવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચિંતા પણ વધવા લાગી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને ફરી આંચકો લાગી શકે છે. વાત જાણે એમ છે કે, દેશમાં છૂટક ફુગાવો (CPI) દર ગયા મહિને ફરી વધીને 6.52% થયો હતો. આ કારણે રેપો રેટમાં વધુ એક વધારાની શક્યતા પણ વધી જવાની ધારણા છે. RBI એ પણ સંકેત આપ્યો છે કે, ફુગાવાને લઈને ઘણી અનિશ્ચિતતા છે. જો સેન્ટ્રલ બેંક વધુ એક કડક પગલું ભરશે તો લોનની EMI ફરી વધી જશે.
- Advertisement -
વધતી જતી મોંઘવારી ચિંતાનું કારણ
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દેશના લોકોને મોંઘી લોનમાંથી રાહત મળી રહી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફેબ્રુઆરીની શરૂઆતમાં બોલાવેલી આ વર્ષની MPCની બેઠક બાદ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. જોકે ફુગાવો રિઝર્વ બેંકના દાયરામાં આવી ગયો હતો. પરંતુ હવે ફરી મોંઘવારી દર નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર પહોંચી ગયો છે, ત્યારે ફરી એકવાર આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે મોંઘવારી દરમાં ફરી વધારો થવાથી RBIની ચિંતા વધી ગઈ છે. બુધવારે જાહેર થયેલી એમપીસીની બેઠકની વિગતો અનુસાર આ સમયગાળા દરમિયાન શક્તિકાંત દાસ દ્વારા આપવામાં આવેલા સંકેતો પરથી કહી શકાય કે, તેઓ ફરી એકવાર જનતાને ઝટકો આપી શકે છે. વિગતો રજૂ કરતાં તેમણે એમ પણ કહ્યું છે કે, વધતી કિંમતો અને ફુગાવાના કારણે મોંઘવારી અંગે ઘણી અનિશ્ચિતતા છે. તેમણે કહ્યું કે, તેના પર અંકુશ લાવવા માટે આગામી દિવસોમાં વ્યાજદરમાં વધારો કરવાનો અવકાશ છે.
રેપો રેટ વધીને 6.75 ટકા થઈ જશે ?
નિષ્ણાતોએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી MPC બેઠકમાં રિઝર્વ બેંક ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકા અથવા 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. જો RBI આ નિર્ણય લેશે તો રેપો રેટ વધીને 6.75 ટકા થઈ જશે. આ નિર્ણય જનતા પર દેવાનો બોજ વધારનાર સાબિત થશે. રેપો રેટમાં વધારાને કારણે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને વધુ EMI ચૂકવવી પડશે.