કૃષિ નિષ્ણાતો દ્રારા આધુનિક અને સફળ ખેતી વિશે માહિતી અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
ગીર સોમનાથ જિલ્લામાં આજે રવિકૃષિ મહોત્સવની શરૂઆત થઈ હતી. જિલ્લાના છ તાલુકામાં એકસાથે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં જિલ્લાના ખેડૂતોને કૃષિ અંગેનું તાંત્રિક જ્ઞાન અને સમજ આપવામાં આવશે. વેરાવળમાં આહિર સમાજની વાડી ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવના પ્રારંભે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછારે રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા આ અભિયાન અંતર્ગત જિલ્લાના ખેડૂતો વધુ ને વધુ જ્ઞાન મેળવે તે જરૂરી છે. રાજ્યના ખેડૂતોને કૃષિ મહોત્સવના પરિણામે કૃષિનું આધુનિક અને તાંત્રિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેના આધારે ખેડૂતો પોતાની ઉત્પાદન અને આવક બન્ને વધારી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને રવિ કૃષિ મહોત્સવ દ્વારા ખેડુતોને ખેતીલક્ષી સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતી, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ તેમજ ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરવા તેમણે આહવાન કર્યું હતું. આ તકે, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખેતી અને બાગાયત પાકોની જાણકારી માટે વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં. આ સ્ટોલની મુલાકાત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના પદાધિકારી અને અધિકારીઓએ લીધી હતી.



