ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામ ગર્ભગૃહમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક સંતો અને મહંતોની ઉપસ્થિતિ રહેશે. દેશ અને દુનિયામાં રહેતા તમામ રામભક્તો આ ઐતિહાસિક દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવા સમયે અમદાવાદના રામચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધીની ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે. આ ભવ્ય રથયાત્રા 8 જાન્યુઆરીએ અમદાવાદથી પ્રારંભ થશે અને 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. 33 વર્ષ બાદ ગુજરાતથી ફરી એકવાર ભવ્ય રથયાત્રા અયોધ્યા પહોંચવાની છે. નોંધનીય છે કે 33 વર્ષ પહેલાં 1990ના દાયકામાં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં પહેલી અયોધ્યા રથયાત્રા યોજાઈ હતી. અમદાવાદના રાણીપમાં રામચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કર્યું છે. આ રથયાત્રાનો શુભારંભ 8 જાન્યુઆરીથી થશે. 1200 કિલોમીટરના અંતર દરમિયાન પ્રભુ શ્રીરામની રથયાત્રા દેશના 14 શહેરોમાંથી પસાર થશે અને 20 જાન્યુઆરીના દિવસે અયોધ્યા પહોંચશે. શ્રીરામચરિત્ર માનસ યાત્રા પાછળ ₹51 કરોડનો ખર્ચ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રથયાત્રા અયોધ્યા પહોંચ્યા બાદ ₹51 લાખનો રથ પ્રભુ શ્રીરામને અર્પણ કરાશે.
પ્રભુ શ્રીરામને 51 લાખનો રથ અર્પણ કરાશે
અમદાવાદથી શરૂ થયેલી રથયાત્રા અયોધ્યા પહોંચ્યા બાદ પ્રભુ શ્રીરામને ₹51 લાખનો રથ અર્પણ કરાશે. અમદાવાદના ન્યુ રાણીપમાં રામચરિત્ર માનસ ટ્રસ્ટ દ્વારા 20 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો ભવ્ય રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથના અગ્રભાગમાં રામભક્ત હનુમાનજીની 6 ફૂટની પ્રતિમા મૂકવામાં આવશે. આ ઉપરાંત તેમાં 500 ગ્રામ શુદ્ધ સોનાથી નિર્મિત ભગવાન રામની મૂર્તિ પણ મૂકવામાં આવશે. આ રથને 10થી વધુ કારીગરો તૈયાર કરી રહ્યા છે. રથનો તમામ ખર્ચ અંદાજિત ₹51 લાખનો થવાની શકયતા છે. રથ તૈયાર થઈ ગયા બાદ સૌપ્રથમ તેની વૈદિક મંત્રોચ્ચારથી પૂજા કરવામાં આવશે. આ સાથે બીજા ચાર રથ પણ તૈયાર કરવામાં આવશે. જે રાજ્યના વિવિધ ભાગોમાં જઈ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપશે.