નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી… ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા
હજારો લોકોએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી ધન્યતા અનુભવી: 3 DCP, ACP, PI, PSI સહિત કુલ 1740 જેટલા અધિકારીઓ-જવાનો બંદોબસ્તમાં જોડાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે(27 જૂન) અષાઢી બીજના પાવન પર્વ નિમિતે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી રહી છે, જેને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા સાથે બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. રાજકોટમાં 26 કિલોમીટરની રથયાત્રામાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવશે અને રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મળી કુલ 1740 જવાનો બંદોબસ્તમાં તહેનાત જોવા મળી રહ્યા છે. આજની રથયાત્રામાં સતત બીજા વર્ષે અઘોરીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને આ અઘોરીઓ રસ્તામાં નૃત્ય તેમજ અવનવા કરતબો કરતા નજરે પડ્યા હતા.
એવું માનવામાં આવે છે કે જગન્નાનાથ પૂરીમાં આવેલા ભગવાનના નિજધામ સુધી દરેક ભક્તજનો પહોચી શકતા નથી તેના માટે દરેક શહેરમાં ભગવાન જગન્નાથને સ્થાપિત કરવામાં આવે છે. રાજકોટમાં નાનામવા ખાતે આવેલા કૈલાશધામ આશ્રમમા બિરાજતા ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી.
- Advertisement -
અઘોરીઓના કરતબ અને ઉજ્જૈનનાં મહાબલિ હનુમાનજી આકર્ષણનું કેન્દ્ર
રાજકોટના રાજવી માંધાતાસિંહ તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આશ્રમ ખાતે પૂજા આરતી કરી અને બાદમાં આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને જે રથમાં બેસાડવામાં આવ્યા તે રથને અદભૂત રીતે શણગારવામાં આવ્યો હતો. જેમાં શહેરના હજારો શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવપૂર્વક જોડાયા હતા અને જય જગન્નાથના નાદ ગૂંજી ઉઠ્યા હતા. તેમાં મુખ્ય આકર્ષણ અઘોરી બાવાઓનું નૃત્ય, વૃંદાવનની રાસ મંડળી, સનાતની બુલડોઝર અને ઉજ્જૈનથી મહાબલિ હનુમાનજી રહ્યા હતા. રાજકોટ શહેરમાં છેલ્લા 17 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે આજે સતત 18માં વર્ષે નીકળેલી રથયાત્રામાં નાના મોટા સૌ કોઈ અનેરી શ્રદ્ધા સાથે આ રથયાત્રામાં જોડાયા હતા અને ઠેર ઠેર લોકોએ ભગવાનના રથનું સ્વાગત કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની યાત્રામાં સાધુ સંતોની સાથે શહેરીજનો પણ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન સાધુ સંતોએ ભગવાન જગન્નાથના સાનિધ્યમાં લીન થઇને અવનવા કરતબો રજૂ કર્યા હતા અને રથયાત્રાનું અદભૂત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે રથયાત્રામાં અઘોરી જૂથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને આ અઘોરી ગ્રુપ દ્વારા પણ અવનવા કરતબો અને નૃત્ય સાથે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. રાજકોટ શહેરમાં પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 26 કિલોમીટરની આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી અને સાંજે રથયાત્રાનું સમાપન કરવામાં આવશે.
ભગવાનની યાત્રા કરવાથી 100 યજ્ઞનું પૂણ્ય મળે: મહંત ત્યાગી મનમોહનદાસજી
રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા હિન્દુ ધર્મના સનાતનની પ્રતિક ધર્મયાત્રા માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ આજે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ભગવાન જગન્નાથ તમામ લોકોના દુ:ખો દૂર કરશે. ભગવાન જગન્નાથની યાત્રા કરવાથી 100 યજ્ઞનું પુણ્ય મળે છે.