યાત્રાની પૂર્ણાહુતિ બાદ સમૂહ ધ્વજવંદન, સમૂહ રાષ્ટ્રગાન અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ. આખા ભારતમાં ભૂલકાઓથી લઈને યુવાનો અને વૃદ્ધો ભારતના આ રાષ્ટ્રપર્વની ભારતના દરેક લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરતાં હોય છે. આવી જ એક ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં સામાજિક સમરસતા મજબૂત બનાવવા, દેશમાં પ્રસરેલી બટવારાની ભાવનાને દૂર કરવા અને હમ સબ એક હૈનો નારો સિદ્ધ કરવા માટે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાજકોટ ખાતે છેલ્લા 8 વર્ષથી એક ભવ્ય રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ભારત માતાનો મુખ્ય ફ્લોટ, શહીદ કુટીર તથા 251 ફૂટ લંબાઈ ધરાવતો રાષ્ટ્ર ધ્વજ રહેશે. જેને ચાલીને સમગ્ર રૂટમાં લઈ જવામાં આવશે. આ યાત્રામાં ભારત માતા તેમજ અલગ અલગ સ્વતંત્રતા સેનાનીઓના જીવંત પાત્ર પણ રહેશે. યાત્રાની પૂર્ણાહુતિ બાદ સમૂહ ધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્ર ગાન, શહીદોને સમૂહ શ્રદ્ધાંજલિ તેમજ ભારત માતા પૂજનનો કાર્યક્રમ રહેશે.
જાહેર યાત્રામાં નારીશક્તિનું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પુરુષો સાથે ખભેખભો મિલાવીને કામ કરી શકે છે તે બતાવવા બહેનો પણ બાઈક લઈને તથા ચાલીને મોટી સંખ્યામાં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભક્તિના ગીતો પર રાષ્ટ્રપ્રેમીઓ ઝૂમશે. યાત્રાનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પોથી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે.
યાત્રાનું પ્રસ્થાન સવારે 9-00 વાગ્યા બાલભવન ગેટ કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ડો. યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, રાજેશ્રી સિનેમા, સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ, કોઠારીયા નાકા સોની બજાર ચોક, ગરુડ ગરબી ચોક રામનાથપરા- સમાપન સવારે 12-00 વાગ્યે થશે. દેશના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમર જવાન ફ્લોટ્સ બનાવવામાં આવશે. અસંખ્ય બાઈક સવારો તિરંગા સાથે યાત્રામાં જોડાશે. જલિયાવાલા બાગથી આવેલ શહીદોના રક્તની માટી, ફ્રીડમ ફાઈટરના જીવંત પાત્રો જેવા કે ભારત માતા, ભગતસિંહ, ગાંધીજી, ઝાંસી કી રાની બનીને ભૂલકાઓ આવશે, ડી.જે.માં દેશભક્તિના ગીતો સમગ્ર વાતાવરણને દેશ ભક્તિના રંગે રંગાશે. પૂર્ણાહુતિ સ્થાન પર આર્મીના અફસર દ્વારા પ્રથમ ભારતના રાષ્ટ્ર ધ્વજને ફરકાવવા આવશે અને સમૂહમાં ધ્વજવંદન કરવામાં આવશે તથા સમૂહમાં હજારો લોકો દ્વારા રાષ્ટ્ર ગીત ગાવામાં આવશે. સ્ટેજ પર સમૂહમાં લોકો દ્વારા ભારત માટે શહીદ થયેલ જવાનોને પુષ્પાંજલિ પાઠવવામાં આવશે, ભારત માતાનું કુમ કુમ ફૂલ દ્વારા પૂજન કરવામાં આવશે.
- Advertisement -
આ યાત્રામાં રાઈઝિંગ ઈન્ડિયા ગ્રુપ, બડા બજરંગ ફાઉન્ડેશન, ગરુડ ગરબી, યુવા શક્તિ સેવા સંઘ, હિંદુસ્તાન સંરક્ષણ સંઘ, રામાનંદી નવનિર્માણ સેના, કનૈયા ગ્રુપ બેડીપરા, હિંદુ યુવા વાહિની, હિંદુ જાગરણ મંચ, રોબીન હૂડ ચાર્મી, આહીર એકતા મંચ, સરદાર પટેલ ગ્રુપ, જય અંબે ગરુડ ગરબી મંડળ, સેવા ગ્રુપ લોધા સમાજ, રોકડીયા હનુમાનજી ગ્રુપ, કૃપા ફાઉન્ડેશન, શક્તિ યુવા ગ્રુપ, ગુજરાત સંગઠન, કોઠારીયા નાકા મિત્ર મંડળ, નક્ષ ગ્રુપ, દીર્ઘાયુ હેલ્થ ક્લબ, શ્રી વિજયવંત હનુમાનજી ગ્રુપ, શ્રી જલારામ ગ્રુપ, સર્જક ટ્રસ્ટ તથા અન્ય સામાજિક સંસ્થાઓ જોડાશે. યાત્રામાં દરેક સંસ્થાઓ, મિત્ર મંડળોને દેશપ્રેમી લોકોને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ‘ખાસ-ખબર’ની મુલાકાતે વિશાલભાઈ ડવ, કલ્પેશભાઈ ગમારા, ભાવીનભાઈ સોની, ધ્રુવભાઈ કુડેલ, કાનાભાઈ કુબાવત, અભિષેકભાઈ આશરા, આશાબેન ભટ્ટી, વંદના સેજપાલ, જાગૃતિબેન ભીમાણી, સુધીરભાઈ પોપટ આવ્યા હતા.



