નાના અને મધ્યમ વર્ગના અવિરત વિશ્ર્વાસનું સફળ પ્રતિબિંબ છે: જીમ્મીભાઈ દક્ષિણી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ કો-ઓપરેટીવ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.એ ડિપોઝીટ ક્ષેત્રે રૂા. 6000 કરોડનો આંક વટાવ્યો છે. નાના અને મધ્યમવર્ગના થાપણદારોનો વિશ્ર્વાસ પામેલી આ બેંક ગ્રાહક સેવા અને આકર્ષક વ્યાજદરોના સહારે આ પડાવ પર પહોંચી છે. બેંકિંગ ક્ષેત્રમાં સર્વોચ્ચ વ્યાજદર આપતી બેંકોમાં રાજકોટ નાગરિક સહકારી બેંકનો સમાવેશ થાય છે. હાલમાં બેંક દ્વારા એફ.ડી.માં નિયત પેરામીટર મુજબ 8.05 ટકા વ્યાજદર આપવામાં આવે છે.
બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઈ દક્ષિણીએ જણાવ્યું કે બેંકની ડિપોઝીટનો આંક રૂા. 6000 કરોડને પાર થયો છે તે ખૂબ જ ખુશીના સમાચાર છે. આ સિદ્ધિ એ નાના અને મધ્યમ વર્ગના અવિરત વિશ્ર્વાસનું સફળ પ્રતિબિંબ દર્શાવે છે.
નાના માણસની મોટી બેંક તરીકે ઓળખાતી બેંક આ સિદ્ધિથી વધુ એક વખત સૂત્રને સાર્થક કરી રહી છે. અમો હંમેશા લોકોને કહીએ છીએ કે આપની કોઈ પણ આર્થિક જરૂરિયાત હોય ત્યારે અમોને યાદ કરો એ જ અમારી સાચી અને સફળ કામગીરી ગણી શકાય. ડિપોઝીટમાં મહત્તમ વ્યાજદર અને લોનમાં લઘુત્તમ વ્યાજદર થકી ખાતેદારોને વધુ સારી બેંકિંગ સુવિધા પૂરી પાડી રહ્યા છીએ. એશિયાભરમાં સૌથી વધુ સભાસદો અર્થાત 3,25,234 સભાસદો ધરાવતી બેંકે આ સિદ્ધિ થકી સહકારી ક્ષેત્રમાં એક નવું સીમાચિહ્ન સર કર્યું છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. મહારાષ્ટ્રમાં 4 સહિત કુલ 38 શાખાઓ અને બે એક્સટેન્શન કાઉન્ટરનું નેટવર્ક ધરાવે છે. બેંક ખાતેદારોને વ્હોટ્સએપ બેંકિંગ, મોબાઈલ બેંકિંગમાં એનઈએફટી, આરટીજીએસ સહિત અનેક સુવિધા આપેલ છે અને સંખ્યાબંધ ખાતેદારો આ સુવિધાનો નિયમિત સફળતાપૂર્વક લાભ રહ્યા છે. બેંકનું એટીએમ-કમ ડેબિટ કાર્ડ દેશભરના એટીએમમાં અને એરપોર્ટ લાઉન્જ ઉપર વપરાશ કરી શકાય છે. ઈકોમ કે ઓનલાઈન બિલ પેમેન્ટમાં કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. પોલીસી ડ્રીવન બેંકમાં દિન-પ્રતિદિન ગ્રાહક સુવિધામાં વધારો થતો જાય છે.