દુષ્કર્મના દોષી ગુરમીત રામ રહીમને 21 દિવસની રજા આપ્યાના ત્રણ મહિના પછી 40 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે.
હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર 40 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. ભાજપ સરકારમાં તેને સતત પેરોલ અને ફર્લો મળી રહ્યા છે. સરકાર હંમેશા કહે છે કે, ‘ગુરમીત રામ રહીમને જેલ મેન્યુઅલ મુજબ રજા મળે છે.’ જો કે, વર્ષ 2025માં તેને ત્રીજી વખત જેલમાંથી બહાર આવવાની મંજૂરી આપાઈ છે. અગાઉ ફેબ્રુઆરી અને એપ્રિલમાં 21-21 દિવસનો ફર્લો આપવામાં આવ્યો હતો. વર્ષ 2017થી 2025 સુધીમાં ગુરમીત રામ રહીમ 14મી વખત પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે.
- Advertisement -
હરિયાણામાં ચૂંટણી દરમિયાન પેરોલ મળ્યા હતા
અહેવાલો અનુસાર, ગુરમીત રામ રહીમને હરિયાણામાં ચૂંટણી દરમિયાન 30 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પેરોલ ઓક્ટોબર 2024માં હરિયાણામાં મતદાનના ચાર દિવસ પહેલા આપવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે ગુરમીત રામ રહીમના અનુયાયીઓની મતોને પ્રભાવિત કરવાની ક્ષમતાને કારણે તેને પંજાબ અને હરિયાણાના રાજકીય નેતાઓનું સમર્થન મળ્યું છે.
ગુરમીત રામ રહીમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી
- Advertisement -
ગુરમીત રામ રહીમને ઓગસ્ટ 2017માં બે શિષ્યો પર દુષ્કર્મ આચર્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2019માં પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 16 વર્ષ પહેલા પત્રકાર હત્યા કેસમાં તેને અને અન્ય ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી.
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ચંડીગઢથી 250 કિ.મી. દૂર રોહતકની ઉચ્ચ સુરક્ષાવાળી સુનારિયા જેલમાં બંધ છે. અગાઉ હાઈકોર્ટે રામ રહીમની દત્તક પુત્રીઓના લગ્નમાં હાજરી આપવાની અરજી ફગાવી દીધી હતી.