સ્થાનિક મામલતદાર અને ખનિજ વિભાગ સામે અનેક સવાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનો ભરપૂર ભંડાર સૌરાષ્ટ્રના અનેક ખનિજ માફિયાઓને આકર્ષે છે અને આ ખનિજ માફીયાઓ પણ અહી ગેરકાયદેસર ખનનનો ધંધો બેરોકટોક ચલાવી રહ્યા છે. કારણ કે અહી “નથી તંત્રની કોઈ બીક કે નથી કાયદાનો કોઈ ડર” જેના લીધે ખનન માફીયાઓ ને જાણે ગેરકાયદેસર ખનન માટે મોકલું મેદાન મળી ગયું હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ત્યારે કોલસાની સાથે અહી હવે સફેદ માટીના ગેરકાયદેસર ખનનનો ધંધો એટલો જ જામ્યો છે. જેમાં મૂળી પંથકના સાડલા ગામે સીમ વિસ્તારમાં ગેરકાયદેસર સફેદ માટીનો ધંધો દિન દહાડે ધમધમી રહ્યો છે. આ સફેદ માટીનો ઉપયોગ મોટા ભાગે મોરબીના સિરામિક ઉદ્યોગોમાં થતો હોય છે જેમાં ટાઇલ્સ બનાવવા માટે સફેદ માટીનું અહીથી ગેરકાયદેસર ખનન કરી ખનિજ માફીયાઓ કોઈપણ પ્રકારની પાસ પરમીટ કે રોયલ્ટી વગર વાહનમાં ભરી ગ્રામ્ય વિસ્તારોના માર્ગે મોરબી તરફ રવાના કરે છે. જ્યારે આ પ્રકારે દરરોજ હજારો ટન ખનીજના ભંડારને મફતમાં લઈને દર મહિને લાખો કમાતા ખનિજ માફીયાઓ પર્યાવરણને પણ મોટું નુકશાન પહોંચાડી રહ્યા છે જેની સામે તંત્રના એક પણ અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાતી નથી જેને લઇ સ્થાનિક પર્યાવરણ પ્રેમી દ્વારા મૂળી પંથકમાં થતી સફેદ માટીનું ખનન તાત્કાલિક ધોરણે બધ થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે.