રહેવાસીઓએ અમીશા વૈદ્યને રજૂઆત કરતાં કહ્યું કે હું કોર્પો.ની ઉચ્ચ અધિકારી છું કહીને દાદાગીરી કરી: આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા કમિશનરને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
રામલલ્લાના ધાર્મિક પ્રસંગે સોસાયટીમાં કરેલી રંગોળી અમીશા વૈદ્યએ બદઈરાદા સાથે વીંખી નાખતા રહેવાસીઓની ધાર્મિક લાગણી દુભાઈ છે જે અંગે રહેવાસીઓ દ્વારા આજરોજ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગેની હકીકત એવી છે કે સવન સરફેશ પરિવાર રૈયા રોડ પર આવેલી સોસાયટીમાં 240 ફલેટ છે જેમાં લગભગ 200 ફલેટમાં માણસો રહે છે. ગઈ તા. 22ના રોજ ભગવાન રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બધા ભેગા મળીને રામધુન, હનુમાનચાલીસા તથા સોસાયટીમાં રંગોળી, તોરણ, દીવડાઓ કરીને ભગવાનનો પ્રસંગ ઉજવતા હતા જેમાં આશરે 8-30 વાગ્યાની આસપાસ બી-803માં રહેતા અમીશાબેન હરીશભાઈ વૈદ્યનાએ પોતાની કારમાં સોસાયટીની અંદર મુખ્ય ગેઈટ પાસેથી પ્રવેશ કરી અને જ્યાં આગળ સોસાયટીની બહેન-દીકરીઓએ રંગોળી કરેલી અને દીવાઓ પ્રગટાવેલા જે રંગોળીઓ વીંખાય નહીં તે માટે ત્યાં રસી બાંધેલી અને આડશ રાખેલી અને બીજો મુખ્ય ગેઈટ અવરજવર માટે ખુલ્લો રહ્યો હતો તેમ છતાં સિક્યુરીટી ગાર્ડ (વોચમેન) સાથે બોલાચાલી કરી ઈરાદાપૂર્વક રંગોળી ઉપર ગાડી ચલાવી અને જેનાથી રંગોળી વિંખાઈ ગયેલી જે બાબતની સોસાયટીને ખબર પડતાં સોસાયટીની બહેનો તથા સભ્યો તેમના ફલેટ પર રજૂઆત કરવા ગયેલા કે આવુ કેમ કર્યું ત્યાર બાદ તેઓ કોઈ પણ રીતે પોતાની ભૂલ ન સ્વીકારી અને ઉલટાનું સોસાયટીના બહેનો તથા સભ્યોને કહેલ કે હું કોર્પોરેશનની ઉચ્ચ અધિકારી છું, મારે ક્યાંથી ચાલવું તેની પરમીશનની જરૂર નથી અને આ પ્રોગ્રામ મને પૂછીને નથી કર્યો તમારે જે કરવું હોય તે કરો એમ કહી અને 100 નંબર બોલાવી ઉલટાની ધમકી આપી હતી. આમ ભગવાન રામલલ્લાના પ્રસંગ નિમિત્તે કરેલી રંગોળી વીંખી અમારી ધાર્મિક લાગણી દુભાવેલી છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.