કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જવાનો સજ્જ છે : અશોકકુમાર યાદવ
મવડી હેડ ક્વાટર ખાતે આતંકવાદ વિરોધી ટુકડીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં મવડી પોલીસ હેડક્વાર્ટરમાં ગ્રામ્ય આજે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર દ્વારા રાજકોટ ગ્રામ્ય અને જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સેરિમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શનમાં આવનારા પડકારોને પહોંચી વળવા માટે પોલીસની તૈયારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ દળની સજ્જતા, તાલીમ અને આંતરિક વ્યવસ્થાપનની ચકાસણી કરવાનો હતો. ચકાસણી બાદ અશોકકુમારે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય અને જિલ્લા પોલીસનાં જવાનો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. વધુમાં રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજે વાર્ષિક પરેડનું આયોજન થયું છે.
- Advertisement -
આ પરેડ સાથે સાથે આવનારા વર્ષમાં પોલીસ સામે જે પણ પડકારો છે, તેને પહોંચી વળવા માટેની તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવેલી છે તેની સમીક્ષા કરવામાં આવી છે. આ ઇન્સ્પેક્શન નિમિત્તે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (અઝજ) દ્વારા કોઈપણ આતંકવાદી પડકારનો સામનો કેવી રીતે કરી શકાય તેની તૈયારીઓ તેમજ રિહર્સલ પણ રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત, સામાન્ય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની તૈયારીઓ, જેમ કે તોફાનોને નિયંત્રિત કરવા અને ભીડ નિયંત્રણ માટે મોકડ્રિલ સહિત તમામ પ્રકારની પોલીસની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ તમામ પડકારોનો સામનો કરવા માટે કટિબદ્ધ છે.



